લોકસભા ચૂંટણીઃ BJP એ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, તમિલનાડુના નવ ઉમેદવારોની પસંદગી
નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ પ્રથમ તબક્કાના મતદાન માટે ચૂંટણીપંચ દ્વારા પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની ત્રીજી યાદી પણ જાહેર કરવામાં આવી છે. આ ત્રીજી યાદીમાં દક્ષિણ ભારતના તમિલનાડુની લોકસભાની 9 બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર કરાયાં છે.
ભાજપાએ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. બીજેપીએ કોઈમ્બતુરથી અન્નામલાઈને મેદાનમાં ઉતાર્યા છે. ચેન્નાઈ દક્ષિણમાંથી તમિલિસાઈ સુંદરરાજન, ચેન્નાઈ સેન્ટ્રલમાંથી વિનોજ પી. સેલ્વમ, એ. સી. ષણમુગમ. કૃષ્ણગિરિમાંથી સી. નરસિમ્હન, નીલગિરિમાંથી એલ. મુરુગન, પેરામ્બલુરથી ટી.આર. પરિવેન્ધર, થુથુકુડીથી નૈનાર નાગેન્દ્રન અને કન્યાકુમારીથી પોન. રાધાકૃષ્ણનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપની પ્રથમ યાદીમાં 195 નામોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં 34 કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓના નામ યાદીમાં હતા. પ્રથમ યાદીમાં 28 મહિલાઓને પણ તક આપવામાં આવી છે. બીજી યાદીમાં 72 નામ સામેલ હતા. 72 ઉમેદવારોની બીજી યાદીમાં નાગપુરથી નીતિન ગડકરી અને હમીરપુરથી અનુરાગ ઠાકુરને ટિકિટ આપવામાં આવી છે.