31મી માર્ચે રવિવારના રોજ બેંકો ખુલ્લી રહેશે: RBI
નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકે બેંકોને 31 માર્ચે સરકારી કામકાજ માટે શાખાઓ ખોલવાનો નિર્દેશ આપ્યો છે. 31 માર્ચ રવિવાર છે અને વર્તમાન નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ છે. RBIએ નિવેદન બહાર પાડીને જણાવ્યું કે,ભારત સરકારે 31 માર્ચ, 2024 (રવિવાર)ના રોજ સરકારી રસીદો અને ચૂકવણીઓથી સંબંધિત બેંકોની તમામ શાખાઓને વ્યવહારો માટે ખુલ્લી રાખવા વિનંતી કરી છે જેથી નાણાકીય વર્ષ 2023-24માં રસીદો અને ચૂકવણીઓ સંબંધિત તમામ સરકારી વ્યવહારોનો હિસાબ કરી શકાય. નિવેદન મુજબ, એજન્સી બેંકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ 31 માર્ચ, 2024 (રવિવાર) ના રોજ સરકારી વ્યવસાય સાથે સંબંધિત તેમની તમામ શાખાઓ ખુલ્લી રાખે.
અગાઉ, RBI દ્વારા રાષ્ટ્રીય સ્તરે જાહેર કરાયેલ બેંક રજાઓની સૂચિમાં એવું કહેવામાં આવ્યું હતું કે, 31 માર્ચ 2024, રવિવારના રોજ દેશભરમાં બેંકો બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે RBIએ વર્ષ 2024 માટે બેંક હોલીડેઝની યાદી બહાર પાડી છે, જેમાં વિવિધ રાજ્યોમાં આવતી ઘણી તહેવારોની રજાઓ સિવાય તેમાં શનિવાર અને રવિવારની રજાઓ પણ સામેલ છે. આ મુજબ માર્ચ મહિનામાં કુલ 14 દિવસ બેંકો બંધ રહેવાની હતી. RBIની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, માર્ચના આવતા સપ્તાહમાં ઘણી બેંક રજાઓ હશે. આવી સ્થિતિમાં જો બેન્કિંગ સંબંધિત કોઈ મહત્ત્વપૂર્ણ કામ હોય તો બેંકમાં જતાં પહેલા રજાઓનું લિસ્ટ ચોક્કસપણ તપાસી લેશો.