પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું છે કે તેઓ ભારત સાથે વાતચીત ચાલુ રાખવા માંગતા નથી. અમેરિકન સમાચાર પત્ર ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ને આપેલા ઇન્ટરવ્યુમાં ઇમરાન ખાને પરમાણુ હુમલો કરવાની ચિમકી ઉચ્ચારી છે.‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ મુજબ ઈમરાખાને કહ્યું કે “ભારત સાથે વાત કરવી નિરર્થક છે, મારો કહેવાનો અર્થ એ છે કે મેં બધા જ પ્રયત્ન કરી લીધા છે હવે હું દુર્ભાગ્યથી પાછો વળુ છુ, તેથી હું શાંતિ અને સંવાદ માટે જે કરી રહ્યો હતો, તે મને લાગે છે કે તેઓએ તેને તુષ્ટિકરણ માન્યું છે.”
‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ મુજબ ઈમરાન ખાને ચેતવણી આપી હતી કે જો ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી શરૂ કરી,તો પાકિસ્તાન પણ વળતો જવાબ આપવા મજબુર બનશે. ઇમરાન ખાને કહ્યું કે ભારત પાકિસ્તાન વિરુદ્ધ કાર્યવાહીને સાચી સાબિત કરવા માટે કાશ્મીરમાં ખોટા અભિયાન શરૂ કરી શકે છે. તેમણે ન્યૂયોર્ક ટાઇમ્સને કહ્યું, ” બે પરમાણુ સશસ્ત્ર દેશો માટે મારી ચિંતા છે કે તે વધી શકે છે અને જે વિશ્વ માટે જોખમી હશે.” આ પહેલા મંગળવારે ઇમરાન ખાને કહ્યું હતું કે કાશ્મીર પાકિસ્તાનની સુરક્ષાની પ્રથમ લાઈન છે. તેમના મંત્રીમંડળે એ નિર્ણય લીધો છે કે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું સંબોધન કરશે ત્યારે તે દરમિયાન પાકિસ્તાન કાશ્મીરની પરિસ્થિતિની રૂપરેખા આપશે.
ઈમરાન ખાનની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી કેબિનેટની બેઠક પછી આ ઘટનાક્રમ સામે આવ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાનના માહિતી બાબતોના વિશેષ સહાયક ફિરદૌસ આશિક અવાનએ કહ્યું કે કેબિનેટમંત્રીની બેઠક વખતે ખાને ભારપૂર્વક જણાવ્યું હતું કે કાશ્મીર પાકિસ્તાનની સુરક્ષા માટેની પ્રથમ લાઇન છે.
ત્યારે પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે બુધવારના રોજ કહ્યું હતુ કે ઈસ્લામાબાદ સંયૂક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદમાં કાશ્મીરના મુદ્દાને ઉઠાવવાની યોજના ધડી રહ્યું છે, ફૈઝલે કાશ્મીર અને ગિલગિત-બલ્તિસ્તાન બાબતો અંગેની સીનેટ સમિતિને માહિતી આપી હતી કે યુએનએચઆરસી ફોરમના ઉપયોગ સાથે અનેક વિકલ્પોની ચર્ચા કરવામાં આવશે છે.
તેમણે વધુમાં કહ્યુ હતુ કે પાકિસ્તાન માટે હાજર બીજો વિકલ્પ મુદ્દાને ઈસ્લામી સહયોગ સંગઠનના વિદેશ મંત્રીઓની બેઠકમાં આ ઉઠાવવાનો છે, ભારત દ્વારા નિયંત્રણ રેખા પર કથિત યુદ્ધ વિરામના ઉલ્લંઘનના મામલે તેમણે કહ્યું હતું કે પરિસ્થિતિ ખતરાની છે અને બંને પક્ષને જાનહાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન, પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મેહમુદ કુરેશીએ બુધવારે નોર્વેના વિદેશ મંત્રી આઈ મેરી એરિક્સન સોરિડે સાથે ફોન પર વાત કરી કાશ્મીર મુદ્દે ચર્ચાઓ કરી હતી.