અમદાવાદઃ શહેરના બોપલ વિસ્તારમાં આવેલા TRP મોલમાં રાત્રે 11 વાગ્યા બાદ આ આગનો બનાવ બન્યો હતો. મોલમાં આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આગને લીધે મોલ બહાર લોકોના ટોળાં ભેગા થયા હતા. દરમિયાન પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો,
અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા TRP મોલમાં સેન્ટર કોર્ટના પાંચમાં માળે બાળકો માટેના ગેમિંગ ઝોનમાં રાત્રે ભીષણ આગ લાગી હતી જો કે, મોલમાં આગ લાગતાની સાથે જ અફરાતફરી સર્જાઇ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં એક કિલોમીટર દૂર સુધી ધુમાડો જોવા મળ્યો હતો. રોડની બીજી સાઇડ પર લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ સાથે જ 4 એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. આગને કાબુમાં લેવા ભારે જહેમત ઉઠાવી હતી.
ફાયર બ્રિગેડ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, બોપલ વિસ્તારમાં TRP મોલના સેન્ટર કોર્ટના પાંચમાં માળે આવેલા સ્કાય ટ્રેમ્પોલિન બાળકો માટેના ગેમિંગ ઝોનમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ લેવા ભારે જહેમત ઊઠાવી હતી. તેમજ મોલમાં રહેલા તમામ લોકોને સહીસલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. જોકે, થિયટર તરફના ભાગમાં આગ લાગી નથી પરંતુ સલામતીના ભાગ રૂપે થિયેટર તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. આગ લાગી હોવાની જાણ થતાં જ લોકોનાં ટોળા ભેગા થઈ ગયા હતા. લોકોની ભીડના કારણે ફાયર બ્રિગેડની ટીમને પણ આવવામાં અને કામ કરવામાં તકલીફ પડી હતી. જો કે, આ આગ ક્યા કારણોસર લાગી તેનુ કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.