રાજકોટઃ શહેરના સ્વાતિ પાર્ક વિસ્તારમાં આવેલી એક કેમિકલની ફેકટરીમાં ભીષણ આગ ફાટી નિકળી હતી. આગ લાગતા ફેકટરીમાં કામ કરતા કામમદારોમાં નાસભાગ મચી ગઈ હતી દરમિયાન આગની જાણ કરતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. આગ એટલી ભયાનક હતી કે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળતા સ્થાનિક લોકો પણ ફેકટરીની બહાર એકઠા થઈ ગયા હતા., ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આગમાં કોઈ જાનહાની થઈ નથી.
ફાયરબ્રિગેડના સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ શહેરના સ્વાતિ પાર્ક વિસ્તારમાં આવેલી ફીડકેમ ઇન્ડસ્ટ્રીઝમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ફેકટરીમાં કેમિકલનો જથ્થો અને પ્લાસ્ટિકના ડ્રમ હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ લાગ્યાની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો અને કારખાનેદારો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. અને થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અંગે ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરાતા ચીફ ફાયર ઓફિસર ખેર ત્રણ ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને આગને કાબુમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
ચીફ ફાયર ઓફિસરે કહ્યું હતું કે, શહેરના સ્વાતિ પાર્કની ફીડકેમ નામની કેમિકલની ફેકટરીમાં આગ લાગી હોવાનો કોલ મળતા ફાયરના જવાનો ત્રણ ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. ફેટકરીમાં કેમિકલનો જથ્થો વધુ પ્રમાણમાં હોવાથી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ. જો કે, ફાયરની ટીમ દ્વારા પાણીનો સતત મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઇ જાનહાની થઈ નથી. પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની શક્યતા છે. હાલ કૂલિંગની કામગીરી શરૂ કરી છે, જો કે, આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.