સમગ્ર દેશ હોળી-ધૂળેટીના રંગમાં રંગાયો, અયોધ્યામાં રામલલાના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં
નવી દિલ્હીઃ સમગ્ર દેશ આજે હોળી-ધૂળેટીના પાવન પર્વના રંગમાં રંગાઈ ગયો છે. ભારત ઉપર અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોમાં હોળીની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ દેશવાળીઓને હોળીની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ સમગ્ર દેશમાં સવારથી જ રંગોત્સવનો માહોલ જોવા મળ્યો હતો. ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં શ્રી રાધવલ્લભ લાલ જી મંદિરમાં પણ લોકોએ ઉત્સાહ સાથે હોળી રમી હતી. લોકો હાથ પકડીને ડાન્સ કરતા જોવા મળ્યા હતા. જ્યારે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં પણ લોકો હોળીની ઉજવણીમાં મગ્ન છે. લોકોએ રંગો ઉડાવ્યાં હતા. તેમજ એકબીજાને ગળે લગાવીને હોળીની શુભેચ્છા પાઠવી હતી. અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં પણ હોળીની ઉજવણી જોવા મળી રહી છે. શહેરના ડુપોન્ટ સર્કલ ખાતે લોકોએ એકબીજાને રંગો લગાવીને હોળીના તહેવારની ઉજવણી કરી હતી. રામલલાના દર્શન કરવા માટે ઉત્તર પ્રદેશના ધાર્મિક શહેર અયોધ્યામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ પહોંચી છે. હોળીના અવસર પર દેશભરમાંથી ભક્તો રામ મંદિરમાં દર્શન માટે પહોંચ્યા છે. ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં એક ફાઉન્ડેશને ‘હર્બલ હોળી’નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો હેતુ પર્યાવરણને અનુકૂળ હોળીને પ્રોત્સાહન આપવાનો છે. ભુવનેશ્વરમાં લોકો ભારે ઉત્સાહ સાથે હોળીની ઉજવણી કરી રહ્યા છે.
આજે દેશભરમાં રંગોનો તહેવાર હોળી ખૂબ જ ઉત્સાહ સાથે મનાવવામાં આવી રહ્યો છે. આ તહેવાર વસંતઋતુમાં અનિષ્ટ પર સારાની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજાને ગુલાલ લગાવે છે અને હોળીની શુભેચ્છા પાઠવે છે અને મીઠાઈ વહેંચે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે હોળી એ ખુશીનો તહેવાર છે, જે જીવનમાં ઉત્સાહ અને આશા લાવે છે. હોળીના વિવિધ રંગો દેશની વિવિધતાનું પ્રતીક છે અને આ તહેવાર લોકોમાં સ્નેહ, એકતા અને ભાઈચારાને પ્રોત્સાહન આપે છે.
વાઇસ પ્રેસિડેન્ટ જગદીપ ધનખરે જણાવ્યું હતું કે આ તહેવાર બધા વચ્ચે પરસ્પર સંબંધોને મજબૂત બનાવે છે અને વસંતઋતુને આવકારવાનો સંદેશ આપે છે. હોળીનો તહેવાર પરસ્પર સમાધાન અને ભૂતકાળની કડવી બાબતોને ભૂલીને નવી તકોને સ્વીકારવાની પ્રેરણા આપે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી છે. તેમણે આશા વ્યક્ત કરી કે હોળી દરેકના જીવનમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કરશે. આ પર્વની ઉજવણી સહુ કોઈ પોત પોતાની રીતે કરે છે. ત્યાર વડોદરા શહેરમાં ઠેક ઠેકાણે ધુળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. તરસાલી ખાતેના બાગમાં યોગ સાધકો એ તેમજ કમાટીબાગ સ્થિત જલસા ગ્રુપ અને મોર્નિંગ ગ્રુપે ધુળેટી પર્વની ઉજવણી કરી હતી. મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ડીજેના તાલ સાથે એક બીજાને વિવિધ રંગોથી રંગીને ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યાર બાદ ધુળેટીના ગીતોની તર્જ પર ઝૂમી સહુ કોઇ હોળીના ગીતો પર નાચી ઉઠ્યા હતા.