મહેસાણામાં માઁ ઉમિયાના દિવ્યરથ પ્રસ્થાન યાત્રામાં 10,000થી બહેનોએ જ્વારા સાથે ભાગ લીધો
મહેસાણાઃ જગતજનની મા ઉમિયા દિવ્યરયમાં બિરાજમાન થઈ મહેસાણા શહેરમાં પરિભ્રમણ માટે પધારતા પાટિદાર સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. માઁ ઉમિયા દિવ્યરથનું મહેસાણા ખાતે ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું હતું. માઁ ઉમિયાના રથ પ્રસ્થાન સમયે 10000થી વધુ બહેનોએ જ્વારા યાત્રા કાઢી હતી. આ સમયે ઉમિયા માત કી જયના જય ઘોષ સાથે મહેસાણા શહેર ગુંજી ઉઠ્યું હતું
વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ એવા જગતજનની માઁ ઉમિયાના રમ્ય-ભવ્ય-દિવ્ય અને દૈદિપ્યમાન મંદિરનુ નિર્માણ તેમજ ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક તેમજ અન્ય તમામ સંસ્થાઓની શક્તિઓના સરવાળા થકી સંગઠીત, શિક્ષિત અને સંવેદનશીલ સમાજ નિર્માણ સાથે સમાજના જરૂરિયાતમંદ પરિવારોને તમામ ક્ષેત્રે મદદરૂપ થવાના અભિયાન અંતર્ગત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કાર્યરત છે, ત્યારે જગતજનની મા ઉમિયા દિવ્યરયમાં બિરાજમાન થઈ મહેસાણા શહેરમાં પરિભ્રમણ માટે પધારતા માઁ ઉમિયા દિવ્યરથનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું હતું. જગત જનની માઁ ઉમિયાના રથનું વિશ્વઉમિયાધામના પ્રણેતા એવમ્ પ્રમુખ આર.પી.પટેલ, રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે પ્રસ્થાન કરાયું હતું. આ ઉપરાંત મહેસાણા જિલ્લાના દાતા ટ્રસ્ટીઓ, સમાજ શ્રેષ્ઠીઓ, સંગઠનના હોદ્દેદારો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
માઁ ઉમિયાના રથ પ્રસ્થાન સમયે 10000થી વધુ બહેનોએ જ્વારા યાત્રા કાઢી હતી. આ સમયે ઉમિયા માત કી જયના જય ઘોષ સાથે મહેસાણા શહેર ગુંજી ઉઠ્યું હતું. રથ પરિભ્રમણ અંગે વાત કરતા સંસ્થા પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું કે, મહેસાણા જિલ્લામાં જગત જનની માઁ ઉમિયાનો રથ 450થી વધુ ગામોમાં પરિભ્રમણ કરશે. 150થી વધુ દિવસ સુધી મહેસાણા જિલ્લામાં મા ઉમિયાના રથનું પરિભ્રમણ થશે. મહત્વનું છે કે રથ પ્રસ્થાન વખતની ધર્મસભામાં 15 હજારથી વધુ માઁ ઉમિયાના ભક્તો ઉમટ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી.પટેલે નિવેદન આપ્યું કે, ઘણા મિત્રો કોઈ પણ કાર્ય વિશે વાત કરતા હોય ત્યારે સલાહ આપતા હોય છે. અમને ચોક્કસ ખ્યાલ જ હોય છે કે, સમાજના હિતમાં શું છે. ક્યાં કેટલું બોલવું અને કેટલું ના બોલવું અને બોલ્યા પ્રમાણે કાર્ય કરવું એ દિશામાં અમે કાર્ય કરીયે છીએ. એટલે મેં કહ્યું, સલાહ નહીં પણ સાથ જોઈએ છે. ઘણા લોકો કહેતા હોય છે કે, મંદિરમાં આટલા બધા રૂપિયા કેમ ખર્ચાય છે, પરંતુ મંદિર એક આધ્યાત્મિકનો આધાર બને છે. રાષ્ટ્રની ચેતનાનાં સામાજિક કાર્યો કરે છે. મંદિરો થકી શિક્ષા, આરોગ્ય, રોજગાર, સ્પોર્ટ્સ જેવી અનેકવિધ કાર્ય થતા હોય છે.