દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ પર બોલ્યું યુએન, સૌના અધિકારોની સુરક્ષા જરૂરી
ન્યૂયોર્ક: સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્તોનિયો ગુતારેસના એક પ્રવક્તાએ કહ્યુ છે કે તેમને આશા છે કે ભારત તથા કોઈપણ અન્ય દેશમાં, જ્યાં ચૂંટણી થઈ રહી છે, લોકોના રાજકીય અને નાગરિક અધિકારોની સુરક્ષા કરવામાં આવશે અને દરેક એક સ્વતંત્ર અને તટસ્થ માહોલમાં મતદાન કરી શકશે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના પ્રવક્તા સ્ટીફન દુજારિકે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અને વિપક્ષી દળ કોંગ્રેસના બેંક ખાતાઓમાંથી લેવડ-દેવડ પર રોકને ધ્યાનમાં રાખીને ભારતમાં આગામી રાષ્ટ્રીય ચૂંટણી પહેલા રાજકીય સ્થિતિ પર એક સવાલના જવાબમાં ગુરુવારે આ વાત કહી હતી.
દુજારિકે પ્રેસ બ્રીફિંગમાં કહ્યુ હતુ કે અમને ઘણી વધારે આશા છે કે ભારત અને કોઈપણ અનય્ દેશમાં જ્યાં ચૂંટણી થવા જઈ રહી છે, ત્યાં દરેકના અધિકારોની સુરક્ષા કરવામાં આવશે, તેમાં રાજકીય અને નાગરિક અધિકાર સામેલ છે તથા દરેક સ્વતંત્ર અને નિષ્પક્ષ માહોલમાં મતદાન કરી શકશે.
સંયુક્ત રાષ્ટ્રની આ પ્રતિક્રિયાના એક દિવસ પહેલા અમેરિકાએ પણ કેજરીવાલની ધરપકડ અને કોંગ્રેસ પાર્ટીના બેંક ખાતાઓની લેણદેણ પર રોક લગાવવાના આવા જ એક સવાલ પર પ્રતિક્રિયા આપી હતી. કેજરીવાલની ધરપકડ પર કરવામાં આવેલી કેટલીક ટીપ્પણીઓના વિરોધમાં અમેરિકાના એક વરિષ્ઠ રાજદ્વારીને ભારત દ્વારા તલબ કરવાના કેટલાક કલાક બાદ બુધવારે વોશિંગ્ટને પુનરોચ્ચાર કર્યો હતો કે તે નિષ્પક્ષ, પારદર્શક અને સમયબદ્ધ કાયદાકીય પ્રક્રિયાઓને પ્રોત્સાહિત કરે છે.
અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યૂ મિલરે કહ્યુ હતુ કે હું કોઈપણ અંગત રાજદ્વારી વાતચીત બાબતે વાત કરવા જઈ રહ્યો નથી, પરંતુ નિશ્ચિતપણે અમે જાહેરમાં જે કહ્યુ છે, તે મેં અહીંથી કહ્યું છે કે અમે નિષ્પક્ષ, પારદર્શક, સમયબદ્ધ કાયદાકીય પ્રક્રિયાઓને પ્રોત્સાહિત કરીએ છીએ. અમને લાગતું નથી કે કોઈને આની સામે વાંધો હોવો જોઈએ. આ વાત અમે અંગતપણે પણ સ્પષ્ટ કરી દઈશું.
નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયના અધિકારીઓએ અમેરિકાના દૂતાવાસના કાર્યવાહક ઉપપ્રમુખ ગ્લોરિયા બરબેનાને તલબ કર્યા હતા. આ બેઠક 30 મિનિટથી વધુ સમય સુધી ચાલી હતી. ભારતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને કરવામાં આવેલી અમેરિકાના વિદેશ વિભાગની ટીપ્પણીને અયોગ્ય ગણાવીને ગુરુવારે કહ્યુ હતુ કે તે પોતાની સ્વતંત્ર અને મજબૂત લોકતાંત્રિક સંસ્થાઓ પર ગર્વ કરે છે અને તે તેને કોઈપણ પ્રકારના બિનજરૂરી બહારી પ્રભાવથી બચાવવા માટે પ્રતિબદ્ધ છે. ઈડીએ આબકારી નીતિ ગોટાળા સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના મામલામાં કેજરીવાલને એરેસ્ટ કર્યા છે.