ઈડીએ કેજરીવાલના વધુ એક મંત્રી કૈલાશ ગહલોતને મોકલ્યું સમન, પૂછપરછ માટે મોકલ્યું તેડું
નવી દિલ્હી: દિલ્હી દારૂ ગોટાળાના મામલામાં ઈડીની કાર્યવાહી સતત ચાલુ છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ હવે ઈડીએ તેમના વધુ એક મંત્રી કૈલાશ ગહલોતને પણ સમન કર્યા છે. જણાવવામાં આવે છે કે ઈડીએ કૈલાશ ગહલોતને આજે જ પૂછપરછ માટે બોલાવ્યા છે.
નજફગઢથી આમ આદમી પાર્ટીન ધારાસભ્ય કૈલાશ ગહલોત મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી દિલ્હી સરકારમાં પરિવહન, ગૃહ અને કાયદા મંત્રી છે. સૂત્રો મુજબ, કૈલાશ ગહલોતને દારૂ નીતિના મામલામાં પૂછપરછ માટે રજૂ થવા અને પીએમએલએ હેઠળ પોતાનું નિવદેન રેકોર્ડ કરાવવા માટે કહેવામાં આવ્યું છે.
આ મામલો 2021-22 માટે દિલ્હી સરકારની દારૂ નીતિને તૈયાર કરવા અને અમલી બનાવવામાં કથિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડ્રિંગ સાથે સંબંધિત છે, તેને પાછળથી રદ્દ કરવામાં આવી હતી. આ મામલામાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા અને સંજય સિંહને ઈડીએ પહેલા એરેસ્ટ કર્યા હતા અને તે ન્યાયિક કસ્ટડીમાં છે.
મહત્વપૂર્ણ છે કે ઈડીએ દારૂ ગોટાળા સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં પૂછપરછ માટે મોકલેલા 9 સમનને અવગણી ચુકેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 21 માર્ચની રાત્રે એરેસ્ટ કર્યા હતા. કેજરીવાલને દારૂ ગોટાળાના મુખ્ય સૂત્રધાર ગણાવી રહેલી ઈડીએ ધરપકડથી પહેલા ઘણાં કલાકો સુધી તેમના ઘરમાં સર્ચ ઓપરેશન પણ ચલાવ્યું હતું. દિલ્હી હાઈકોર્ટ દ્વારા કેજરીવાલને ઈડીની કોઈપણ દંડાત્મક કાર્યવાહીથી રાહત આપવાનો ઈન્કાર કરાયાના ગણતરીના કલાકોમાં તેમને એરેસ્ટ કરવામાં આવ્યા હતા. પદ પર રહેવા દરમિયાન કોઈ મુખ્યમંત્રીની ધરપકડ થઈ હોય તો તેઓ આ પહેલો મામલો છે. તેઓ 1 એપ્રિલ સુધી ઈડીની કસ્ટડીમાં છે.
મહત્વપૂર્ણ છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખુદ અદાલતમાં પોતાની દલીલો રજૂ કરતા આરોપ લગાવ્યો કે ઈડીનો મુખ્ય ઉદેશ્ય આમ આદમી પાર્ટીને સમાપ્ત કરવાનો છે. કેજરીવાલે એ પણ આરોપ લગાવ્યો છે કે દેશની સામે આમ આદમી પાર્ટીના ભ્રષ્ટ હોવાની ખોટી તસવીર રજૂ કરાય રહી છે.