લોકસભા ચૂંટણીઃ કોંગ્રેસે વધુ 17 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યાં
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ દેશભરમાં રાજકીય માહોલ જામ્યો છે અને રાજકીય પાર્ટીઓ દ્વારા જોરશોરથી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન કોંગ્રેસે ચૂંટણી માટે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. આ યાદીમાં આંધ્રપ્રદેશ, ઓડિશા, બિહાર અને પશ્ચિમ બંગાળ સહિત 17 બેઠકો માટેના ઉમેદવારોના નામનો સમાવેશ કરાયો છે. યાદીમાં આંધ્રમાં 5, બિહારમાં 3, ઓડિશામાં 8 અને પશ્ચિમ બંગાળમાં એક સીટ છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, બિહારના કિશનગંજથી મોહમ્મદ જાવેદ, કટિહારથી તારિક અનવર, ભાગલપુરથી અજિત શર્મા, ઓડિશાના બરગઢથી સંજય ભોઈ, સુંદરગઢથી જનાર્દન, બોલાંગીરથી મનોજ મિશ્રા અને કાલાહાંડીથી દ્રૌપદી માંઝી, કંધમાલથી અમીર ચંદ નાયક, રશ્મિ રંજન પટનાયક અને રશ્મિ રંજન પટનાયક, પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ બેઠક પરથી મુનીશ તમાંગને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ યાદીની સાથે કોંગ્રેસે અત્યાર સુધીમાં 231 ઉમેદવારોની જાહેરાત કરી છે.
પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીના જંગ ઉપર તમામની નજર મંડાયેલી છે, કારણ કે વિપક્ષી પાર્ટીઓ ઈન્ડિ ગઠબંધનનો ભાગ હોવા છતાં, તૃણમૂલ સુપ્રીમો મમતા બેનર્જીએ રાજ્યની તમામ 42 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. દાર્જિલિંગ લોકસભા બેઠક પરથી મેદાનમાં ઉતરેલા મુનીશ તમંગ ઉત્તર બંગાળના પહાડી વિસ્તારોમાં જાણીતા નેતા છે. ભારતીય ગોરખા કોન્ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ મુનીશ તમંગ ગોરખાલેન્ડ ચળવળનો હિસ્સો રહ્યા છે. તેઓ ચાર દિવસ પહેલા જ 28 માર્ચે કોંગ્રેસમાં જોડાયા હતા.