ગાંધીનગરઃ લોકસભાની રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ એક સભામાં કરેલા ઉચ્ચારણો સામે ક્ષત્રિય સમાજમાં વ્યાપેલો રોષ રૂપાલાઓ માફી માગી છતાંયે શમતો નથી. ભાજપે પણ ક્ષત્રિય સમાજના આગેવાનોને મનાવવાના પ્રયાસો કર્યા છતાં હજુ વિવાદનો અંત આવ્યો નથી. ક્ષત્રિય સમાજની એક જ માગણી છે. કે, રૂપાલાને બદલો, અને આ માગણીમાં મક્કમ છે. બીજીબાજુ ભાજપ રૂપાલાને કોઈપણ ભોગે બદલવા નથી માગતો ત્યારે કોકડું ગુંચવાયું છે. ત્યારે દિલ્હીથી પરત ફર્યા બાદ રૂપાલા ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર, રૂપાલા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે બંધ બારણે પોણો કલાક બેઠક થઈ હતી. આ બેઠકમાં શુ ચર્ચા થઈ તેની વિગતો હજુ બહાર આવી નથી. પણ વિરોધને ડામવા કોઈ સ્ટેટેજી ઘડી કાઢવામાં આવી હોવાનું કહેવાય છે.
ગુજરાતમાં રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા હતા. બીજી તરફ પુરુષોત્તમ રૂપાલા ગુરૂવારે બપોરે દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. એને પગલે એરપોર્ટ પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. રૂપાલા સાથે મનસુખ માંડવિયા પણ એરપોર્ટ આવ્યા હતા, હવે બંને ગાંધીનગર જવા રવાના થયા હતા. દિલ્હીથી આવી પુરષોત્તમ રૂપાલા પોતાના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં એક બેઠક યોજાઈ હતી. ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર, રૂપાલા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે પોણો કલાક બેઠક થઈ હતી. ઉલ્લેખનીય છે કે બુધવારે રાજપૂત સમાજ અને ભાજપના ક્ષત્રિય આગેવાનો વચ્ચે યોજાયેલી બેઠક બાદ રત્નાકરને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો.
ગાંધીનગરમાં મિટિંગ પૂર્ણ થયા બાદ રાજકોટ જવા નીકળેલા રૂપાલાએ આ બેઠક અંગે કંઈપણ કહેવાનું ટાળ્યુ હતુ. અન્ય એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, ક્ષત્રિય વર્સિસ પાટીદાર કરવાની કોઈ આવશ્યકતા નથી. આવા ઇસ્યુને મીડિયાએ પણ એડ્રેસ કરવાની જરૂર નથી.