રાજ્યો-કેન્દ્ર વચ્ચે મુકાબલો થવો જોઈએ નહીં, કર્ણાટક સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટની ટીપ્પણી
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે સોમવારે કર્ણાટક સરકારની અરજી પર સુનાવણી કરતા કહ્યું છે કે કેન્દ્ર અને રાજ્યોની વચ્ચે મુકાબલો થવો જોઈએ નહીં. હકીકતમાં કર્ણાટક સરકારે દુકાળ પ્રબંધન માટે રાષ્ટ્રીય આફત રિસ્પોન્સ ફંડથી આર્થિક મદદ આપવાની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદીપ મેહતાની ખંડપીઠે કર્ણાટક સરકારની આ અરજી પર કેન્દ્ર સરકારનો જવાબ માંગ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે વિભિન્ન રાજ્ય સરકારો હાલના દિવસોમાં અદાલત આવી રહી છે. જસ્ટિસ મેહતાએ કહ્યુ છે કે હું કહેવા માંગતો નથી, પરંતુ એવું તો શું થઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર તરથી રજૂ થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જવાબ આપવા માટે 2 સપ્તાહનો સમય માંગ્યો છે. તુષાર મહેતાએ કહ્યુ છે કે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવાના સ્થાને આ મુદ્દા પર વાત કરવી જોઈતી હતી અને આ મામલાને ઉકેલી શકાતો હતો.
અદાલત હવે બે સપ્તાહ બાદ આ મામલા પર સુનાવણી કરશે. કર્ણાટક સરકારની અરજીમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર દુકાળની સ્થિતિનો સામનો કરવા માટે રાજ્યને રાષ્ટ્રીય આફત પ્રતિક્રિયા ફંડમાંથી સહાયતા રકમ જાહેર કરી રહી નથી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ રાજ્યના લોકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે, જે બંધારણના અનુચ્છેદ-14 અને 21 હેઠળ લોકોને મળેલા છે. રાજ્ય સરકારનું કહેવું છે કે દુકાળને કારણે લોકોની જીંદગીઓ અસરગ્રસ્ત થઈ રહી છે અને ખરીફની 2023ની સિઝનનો પાક પણ પ્રભાવિત થઈ રહ્યો છે. રાજ્યના 236 તાલુકાઓમાંથી 223 તાલુકા દુકાળગ્રસ્ત ઘોષિત કરાયા છે. કર્ણાટક સરકારે 18 હજાર 171 કરોડ રૂપિયાની આર્થિક મદદની માગણી કરી હતી. રાજ્ય સરકાર તરફથી રજૂ થયેલા સિનિયર એડવોકેટ દેવદત્ત કામત અને એડવોકેટ જનરલ શશી કિરણ શેટ્ટીએ કહ્યુ છે કે આફત પ્રબંધન કાયદા હેઠળ મદદ આપવી કેન્દ્ર સરકારનું દાયિત્વ છે.