ક્ષત્રિય સમજના વિરોધ વચ્ચે પરશોત્તમ રૂપાલા 16મી એપ્રિલે જાહેર સભા બાદ ઉમેદવારી ફોર્મ ભરશે
રાજકોટઃ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ કરેલા ઉચ્ચારણો સામે ક્ષત્રિય સમજ રોષે ભરાયો છે. અને ક્ષત્રિય સમાજ દ્વારા અલગ અલગ જગ્યાએ સંમેલનો યોજીને રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી કરવામાં આવી રહી છે. ભાજપ રૂપાલાને કોઈપણ ભોગે બદલવા માગતું નથી. ત્યારે પરશોત્તમ રૂપાલા 16મી એપ્રિલના રોજ સવારે 10:30 વાગે શહેરના બહુમાળી ભવન ચોક ખાતે જંગી સભાને સંબોધશે અને ત્યાર બાદ બપોરે 12.39ના શુભ મૂહુર્તે ઉમેદવાર તરીકે નામાંકન ફોર્મ ભરશે.
રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિવાદાસ્પદ નિવેદનને પગલે ભારે રોષ ઊભો થયો છે. ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા સામે સંમેલનો યોજવામાં આવી રહ્યા છે. અને રૂપાલાની ટિકિટ રદ કરવાની ક્ષત્રિય સમાજે જીદ પકડી છે. જ્યારે ભાજપ રૂપાલાને બદલવા માગતું નથી. ક્ષત્રિય સમાજના અને કરણીસેનાનાં મહિલા આગેવાન પદ્મિનીબા સતત છઠ્ઠા દિવસે અન્ન ત્યાગ પર છે. રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અન્ન ત્યાગ પર રહેશે એવું જાહેર થયું છે.
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને સ્ટાર પ્રચારક જાહેર કરવામાં આવ્યા છે. સોમવારે તેઓ તામિલનાડુમાં ભાજપના ચૂંટણીપ્રચાર માટે જવા રવાના થયા હતા. તેમની ગેરહાજરીમાં લોકસભા ચૂંટણી માટેનું ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. ભાજપના કોર્પોરેટર કેતન પટેલ જણાવ્યુ હતું કે, 16મી એપ્રિલે પુરુષોત્તમ રૂપાલા રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે સવારે 10.30 વાગ્યે જંગી સભાને સંબોધવાના છે, જેની વ્યવસ્થાને લઈને સોમવારે સ્થળ નિરીક્ષણ કરવામા આવ્યું હતું. સભામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ સહિતના લોકો એકત્ર થશે. સભા બાદ 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં લોકસભા ચૂંટણી લડવા માટે ભાજપ પક્ષ તરફથી ઉમેદવારીપત્ર ભરશે. શહેર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે જણાવ્યું હતું કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા 16મી તારીખે પોતાનું ઉમેદવારીપત્ર ભરશે.