અંબાજીઃ ચૈત્રી નવરાત્રીનો આજથી એટલે કે 9મી એપ્રિલથી પ્રારંભ થશે, માતાજીના પૂજન-અર્ચન માટે ચૈત્રી નવરાત્રીનું વિશેષ મહાત્મ્ય છે. મા જગતજનની અંબાના ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રિ, અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન માતાજીના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
સનાતન ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું વિશેષ મહાત્મ્ય છે. આજથી એટલે કે 9મી એપ્રિલથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમા ચૈત્રી નવરાત્રીની વિશેષ ઊજવણી કરાશે. ચૈત્રી નવરાત્રી દરમિયાન મોટી સંખ્યમાં ભાવિકો માતાજીના દર્શન માટે આવશે. ત્યારે અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.
અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ ભરતભાઈએ જણાવ્યું કે, અંબાજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રીએ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે, તેથી ભાવિકોને દર્શન આરતીનો લાભ સરળતાથી મળી રહે અને વધુ સમય માટે મળી રહે તેવા આશયથી અંબાજી મંદિરમાં વિક્રમ સંવતના નવા વર્ષથી એટલે કે 9 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીથી દર્શન આરતીનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સવારે આરતીઃ- 07.00 થી 07.30, ઘટ સ્થાપન સવારે – 9.15 થી 9.45, સવારે દર્શનઃ- 07.30 થી 11.30, બપોરે દર્શનઃ- 12.30 થી 16.30 સુધી, સાંજની આરતીઃ- 19.00 થી 19.30, તેમજ સાંજે દર્શનઃ- 19.00 થી રાત્રી નાં 21.00 સુધી ખુલ્લા રહેશે. જ્યારે ચૈત્ર સુદ આઠમ તારીખ 16 એપ્રીલના સવારે આરતી 6.00 કલાકે થશે. તથા ચૈત્રી પુનમ તારીખ 23 એપ્રીલના સવારે આરતી 6.00 કલાકે થશે
વર્ષ દરમિયાન આસો અને ચૈત્રી આમ બે નવરાત્રીનું મહત્વ હોય છે. વાસંતીય ચૈત્રી નવરાત્રીને લઇ અંબાજી મંદિરમાં યાત્રિકોની ભારે ભીડ રહેતી હોય છે. સનાતન ધર્મમાં ચૈત્રી નવરાત્રિના વિશેષ મહત્વ છે. આ નવ દિવસોમાં દેવી ભગવતીની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ આજે મંગળવાર 9 એપ્રિલથી શરૂ થઈ રહ્યો છે. નવરાત્રિમાં કન્યા પૂજન અને હવનનું વિશેષ મહત્વ છે. નવરાત્રિ દરમિયાન અષ્ટમી અને નવમીના દિવસોમાં કન્યા પૂજા કરવામાં આવે છે. નવરાત્રિ ઉપવાસ કન્યા પૂજા વિના પૂર્ણ માનવામાં આવતા નથી. વ્રતનો આરંભ એકમના દિવસે ઘટ સ્થાપન કરી નવ દિવસ સુધી પૂજા કરાય છે, વ્રત રખાય છે, બ્રહ્મચર્ય અને ઉપવાસ કે એકહાર કરીને એક ચિત્તે ભક્તિ કરવામાં આવે છે.