IPL 2024: ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગીલે આઈપીએલમાં 3000 રન પૂરા કર્યા
અમદાવાદઃ ગુજરાત ટાઇટન્સ (જીટી)ના કેપ્ટન શુભમન ગિલે બુધવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં 3,000 રન પૂરા કર્યા. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં, રાજસ્થાન રોયલ્સ (આરઆર) સામેની આઈપીએલ મેચ દરમિયાન, યુવા બેટ્સમેન ગિલ આ સીમાચિહ્ન સુધી પહોંચ્યો હતો. મેચમાં 197 રનના ટાર્ગેટનો પીછો કરતા ગિલે, 44 બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 72 રન બનાવ્યા હતા. તેના રન 163થી વધુના સ્ટ્રાઈક રેટથી આવ્યા હતા.
હવે, 97 આઈપીએલ મેચો અને 94 ઇનિંગ્સમાં, ગિલે 39.04 ની સરેરાશ અને 135 થી વધુની સ્ટ્રાઇક રેટથી, 3,045 રન બનાવ્યા છે. તેની આઈપીએલ કારકિર્દીમાં, 129ના શ્રેષ્ઠ સ્કોર સાથે, ત્રણ સદી અને 20 અર્ધસદી છે. તે આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર 24મા ક્રમે છે. ગિલે, 2018-21 સુધી કોલકાતા નાઈટ રાઈડર્સ (કેકેઆર)નું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. કેકેઆર માટે 58 મેચોમાં, તેણે 55 ઇનિંગ્સમાં 31.49ની એવરેજ અને 123.00ની સ્ટ્રાઇક રેટથી 10 અર્ધશતક સાથે 1,417 રન બનાવ્યા. કેકેઆર માટે તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર, 76 રન હતો. આ સિઝનમાં છ આઈપીએલ મેચોમાં ગિલે, બે અડધી સદી સાથે 51.00ની સરેરાશ અને 151થી વધુની સ્ટ્રાઈક રેટથી 255 રન બનાવ્યા છે. તેનો શ્રેષ્ઠ સ્કોર 89* છે. આ વર્ષે આઈપીએલમાં તે અત્યાર સુધીનો, ત્રીજો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે.
મેચની વાત કરીએ તો રાજસ્થાને પ્રથમ બેટિંગ કરતા, કેપ્ટન સંજુ સેમસન (68 રન અણનમ, 38 બોલ, 7 ચોગ્ગા, 2 છગ્ગા) અને રિયાન પરાગ (48 બોલમાં 3 ચોગ્ગા 5 છગ્ગા)ની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 3 વિકેટે 196 રન બનાવ્યા. જવાબમાં ગુજરાતે 20 ઓવરમાં, 7 વિકેટે 199 રન બનાવીને જીત મેળવી હતી. ગુજરાત તરફથી કેપ્ટન શુભમન ગિલે, 72 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ગિલ સિવાય, રાશિદ ખાને પણ 11 બોલમાં 24 રન બનાવીને પોતાની ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.