આગાઉની સરકારોએ જમ્મુના ખેડૂતો સાથે અન્યાય કરીને રાવીનું પાણી પાકિસ્તાનને આપ્યાનો મોદીનો આક્ષેપ
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પ્રચાર-પડઘમ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં જનસભાને સંબોધિત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભામાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ ભાજપા સરકારે જમ્મુ-કાશ્મીરમાં કરેલા વિકાસ કાર્યો ગણાવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું ઘણું આગળ વિચારું છું. આજે જમ્મુ-કાશ્મીરમાં બધું બદલાઈ ગયું છે. આ માટે અમે સતત કામ કરી રહ્યા છીએ. PM મોદીએ જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં કહ્યું હતું કે, “દશકો પછી આ પહેલી ચૂંટણી છે, જ્યારે આતંકવાદ, અલગતાવાદ, પથ્થરમારો, બંધ, હડતાલ, સરહદ પારથી ગોળીબાર, આ ચૂંટણીના મુદ્દા નથી. તે સમયે માતા વૈષ્ણો દેવી યાત્રા કે અમરનાથ યાત્રા સુરક્ષિત રીતે કેવી રીતે ચલાવવી તે અંગે ચિંતા હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આજે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આજે જમ્મુ-કાશ્મીરમાં વિકાસ થઈ રહ્યો છે અને વિશ્વાસ પણ વધી રહ્યો છે. તેથી જ આજે જમ્મુ-કાશ્મીરના ખૂણે-ખૂણેથી એક જ પડઘો સંભળાઈ રહ્યો છે – ફરી એકવાર મોદી સરકાર. પીએમ મોદીએ કહ્યું કે આ ચૂંટણી માત્ર સાંસદોને પસંદ કરવા માટે નથી, પરંતુ આ ચૂંટણી દેશમાં મજબૂત સરકાર બનાવવાની છે. જ્યારે સરકાર મજબૂત હોય છે, ત્યારે તે જમીન પરના પડકારો વચ્ચે પણ પડકારોનો સામનો કરીને કામ કરે છે.
કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે તમને યાદ છે કે કેવી રીતે કોંગ્રેસની નબળી સરકારોએ શાહપુર કાંડી ડેમને દાયકાઓ સુધી લટકી રાખ્યો હતો. જેથી જમ્મુના ખેડૂતોના ખેતરો સુકાઈ ગયા હતા, ગામડાઓ અંધકારમાં હતા, બીજી તરફ આપણા હકનું રાવીનું પાણી પાકિસ્તાન જઈ રહ્યું હતું. તેમણે કહ્યું કે, મેં ખેડૂતોને ગેરંટી આપી હતી અને પૂરી પણ કરી છે. કઠુઆ અને સાંબાના હજારો ખેડૂતોને તેનો લાભ મળ્યો છે. આટલું જ નહીં, આ ડેમમાંથી ઉત્પન્ન થતી વીજળી જમ્મુ-કાશ્મીરના ઘરોને રોશન કરશે.