ગાંધીનગરથી ઈન્દિરા બ્રિજ જતા રોડ પર હિટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે રાહદારીનું મોત
ગાંધીનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં ગાંધીનગરના ભાટથી ઈન્દિરા બ્રિજ તરફ જતાં રોડ પર હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. કોઈ અજાણ્યા વાહને રાહદારીને અડફેટે લીધો હતો, અને વાહનચાલક વાહન સાથે નાસી ગયો હતો. દરમિયાન આ રસ્તા પરથી પસાર થતાં લોકોએ રાહદારીને સારવાર સામે હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અડાલજ પોલીસે ગુનો નોંધી લાશની ઓળખવિધિ માટે વધુ તપાસ આદરી છે.
આ અકસ્માતના બનાવની પોલીસ સૂત્રોમાંથી એવી વિગતો મળી છે કે, ગાંધીનગરના ખોરજ ગામમાં રહી છૂટક મજૂરી કામ કરતો સબીરખાન દિલાવરખાન પઠાણ બાઈક લઈને કામ અર્થે ભાટ ગામ ખાતે જતો હતો. તે વખતે આશરે સાંજના સાડા પાંચેક વાગે આશરે 30 વર્ષીય અજાણ્યો યુવાન ઇન્દીરાબ્રીજ તરફ જતા રોડ ઉપર ભાટ ગામ ખાતે આવેલા ઇન્ડીયન પેટ્રોલપંપની આગળ રોડની સાઇડમાં બેભાન અવસ્થામાં પડેલો હતો. આ જોઈને સબીર પોતાનું બાઇક ઊભું રાખીને તેની પાસે ગયો હતો. ત્યારે માલુમ પડયું હતું કે, કોઈ અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને નાસી ગયો હોવાથી અજાણ્યો યુવાનને ગંભીર ઈજાઓ થઈ છે. દરમિયાન અન્ય રાહદારીઓ અને વાહન ચાલકો પણ એકઠા થઈ ગયા હતા. જેમાંથી કોઈએ જાણ કરતા 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત યુવાનને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે અજાણ્યા યુવાનની સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન યુવાનની તબીયત વધુ લથડી જતાં સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં તેનું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં અડાલજ પોલીસ અમદાવાદ સિવિલ દોડી ગઈ હતી. અને અજાણ્યા યુવાનની લાશનું પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરી ઓળખવિધિ માટે વધુ તપાસ શરૂ કરી છે.