અમદાવાદઃ શહેર અને જિલ્લામાં 6965 લોકો પાસે લાયસન્સવાળા હથિયારો છે. ઘણા લોકો પોતાના રક્ષણ માટે તેમજ સમાજમાં મોભો રાખવા માટે બંદુક કે રિવોલ્વર રાખવા માટે સરકારમાંથી લાયસન્સ લેતા હોય છે. લાયસન્સ મેળવ્યા બાદ બદુક કે રિવોલ્વર તેમજ તેના કાર્ટીસની પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવવી પડે છે. રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે આચારસંહિતા લાગુ થતાં જ અમદાવાદ શહેર અને જિલ્લામાં બંદૂક, રિવોલ્વર, ગનનું લાઈસન્સ ધરાવનારા લોકોને હથિયાર જમા કરાવી દેવાની સુચના આપવામાં આવી હતી. જેમાં શહેર અને જિલ્લામાં કુલ 6965માંથી 5762 લોકોએ હથિયાર જમા કરાવી દીધા છે. જ્યારે 1096 લોકોએ હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવી છે. ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમના હથિયાર સરકારમાં જમા રહે છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેર અને જિલ્લા પોલીસના રિપોર્ટ બાદ છેલ્લા ત્રણ મહિનામાં વિવિધ કારણોસર કુલ 82 લોકોના હથિયારના લાઈસન્સ રદ કરવામાં આવ્યા છે. જે લાયસન્સધારકો વૃદ્ધ થઈ ગયા છે અથવા તો તેમના પર કોઈ કેસ નોંધાયો છે, તેવી પરિસ્થિતિમાં તેમના લાઈસન્સ રદ કરવામાં આવ્યા છે. જે લોકોએ હથિયાર જમા કરાવવાની મુક્તિ માગી હતી તેમના કારણોની સમીક્ષા કરીને અરજી માન્ય રાખવામાં આવી હતી. તેમજ હથિયાર જમા ન કરાવનારાને સમન્સ પાઠવાયા છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું. કે. લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. કેટલાક માથાભારે અને અસામાજિક તત્વોને પાસા હેઠળ કે તડીપાર કરાયા છે. ઉપરાંત લાયસન્સધારકોને તેમના હથિયારો જમા કરાવી દેવા તાકીદ કરવામાં આવી હતી. જે લોકો હથિયાર જમા નથી કરાવતા તેમને મેસેજ કે કોલ કરીને જમા કરાવવા માટે કહેવામાં આવે છે. જો તેમ છતાં પણ તેઓ હથિયાર જમા ન કરાવે તો તેમને સ્થાનિક પોલીસ દ્વારા હથિયાર જમા કરાવવા માટે સમન્સ પાઠવવામાં આવે છે. ઉપરાંત જે લોકોને સુરક્ષાની જરૂરિયાત નથી અથવા તો તેમની વિરૂદ્ધ કોઈ કાયદાકીય કાર્યવાહી ચાલતી હોય તેવા કેસોમાં પણ હથિયારનું લાઈસન્સ રદ કરવામાં આવે છે. કોઈની સુરક્ષામાં, બેન્કમાં ગાર્ડ તરીકે નોકરી કરતા હોય તેમને જ હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવે છે.