રામનગરીમાં હનુમાન જ્યંતિની ધાર્મિક માહોલમાં ઉજવણી, હનુમાનગઢીમાં ભક્તોની લાંબી લાઈનો લાગી
અયોધ્યાઃ ચૈત્ર પૂર્ણિમાના અવસર પર મંગળવારે રામનગરી અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ પવિત્ર સલીલા સરયુમાં સ્નાન કરી પ્રાર્થના કરી હતી. રામલલા, કનક ભવન સહિત હનુમાનગઢીમાં દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો લાગી હતી. હનુમાન જ્યંતિ પ્રસંગ્રે સમગ્ર અયોધ્યાનગરી ‘જય શ્રી રામ’, ‘જય બજરંગ બલી’ના નાગથી ગુંજી ઉઠી હતી.
હનુમાન જ્યંતિ નિમિત્તે વહીવટીતંત્ર દ્વારા સરયુ કિનારેથી લઈને મઠો અને મંદિરો સુધી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોએ સૌપ્રથમ પવિત્ર સલીલા સરયૂમાં ડૂબકી લગાવી, ત્યારબાદ તેઓ સરયૂ જળ સાથે નાગેશ્વરનાથ મંદિર તરફ પ્રયાણ કર્યું હતું. નાગેશ્વરનાથ મંદિરમાં અભિષેક અને પૂજા માટે ભક્તોની લાંબી લાઈન લાગી હતી. અહીંથી ભક્તોની શોભાયાત્રા હનુમાનગઢી પહોંચી હતી.
હનુમાન જયંતિ હોવાથી ભક્તોમાં હનુમાનજીને વંદન કરવાની સ્પર્ધા હતી. હનુમંત લાલાના દરબારમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી પ્રાર્થના કરી હતી. આવું જ દ્રશ્ય રામલલાના દરબારમાં પણ જોવા મળ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ રામલલાનું પૂજન કર્યું હતું. પૂર્ણિમા પર્વ નિમિત્તે સાંજે સરયુ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
અયોધ્યામાં પ્રભુ શ્રી રામજીના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા બાદ પ્રથમ વાર તાજેતરમાં રામનવમીની ધાર્મિક માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આજે પ્રભુ શ્રી રામજીના ભક્ત હનુમાનજીની જન્મજ્યંતિની આજે સમગ્ર અયોધ્યામાં ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા.