અમદાવાદઃ શહેરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યા બાદ છેલ્લા બે-ચાર દિવસથી થોડી રાહત મળી છે. હાલ મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયુ છે. જો કે બે-ત્રણ દિવસમાં ફરીવાર તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. ગરમીને કારણે વાયરલ ઈન્ફેક્શનના કેસ પણ વધતા જાય છે. શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં ગત એક સપ્તાહ દરમિયાન વાયરલ ઇન્ફેક્શનના 1492 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત અસારવાની સિવિલ હોસ્પિટલ, મ્યુનિ.ની હોસ્પિટલો અને ખાનગી દવાખાનાઓમાં પણ વાયરલ ફિવર, ઝાડા-ઊલટી સહિતના કેસોમાં વધારો નોંધાયો હતો.
અમદાવાદ શહેરમાં 40 ડિગ્રી તાપમાનમાં પણ લોકો અસહ્ય ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ગત સપ્તાહમાં વાદળ વાતાવરણને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તેને કારણે ઘણા બધા શહેરીજનોને શરદી, ખાંસી અને કફની તકલીફ સર્જાઈ હતી. આ ઉપરાંત ઉનાળાના કારણે બરફ ગોલા અને ઠંડાપીણાનું સેવન પણ વધુ પ્રમાણમાં થતાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો નોંધાયો છે. આ સાથે ગરમીને કારણે ઝાડા ઊલટીના કેસ પર વધ્યા હતા. જ્યારે કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણીને કારણે ટાઇફોડના કેસ પણ નોંધાયા હતા.
શહેરની સોલા સિવિલ હોસ્પિટલના સૂત્રોના કહેવા મુજબ ગત એક સપ્તાહ દરમિયાન ઓ પી ડીમાં 9798 કેસ નોંધાયા હતા. જેમાંથી 932 દર્દીઓને વિવિધ બીમારી અને અન્ય કારણોસર દાખલ કરવાની ફરજ પડી હતી. ગત સપ્તાહના પ્રથમ ત્રણ દિવસોમાં શહેરનું મહત્તમ તાપમાન 42 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. જ્યારે ત્યારબાદના દિવસોમાં તાપમાનમાં ઘટાડો થતાં મહત્તમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. જેને કારણે વાયરલ ઇન્ફેક્શન કેસમાં વધોરા થયો હતો. જેમાંથી ગત સપ્તાહ દરમિયાન સોલા સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના 1492 કેસ નોંધાયા હતા. ઉપરાંત એક સપ્તાહ દરમિયાન ડેન્ગ્યુના 33 શંકાસ્પદ કેસમાંથી 2 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે મેલેરિયાના 199 અને ચિકનગુનિયાના 5 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી એકપણ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો. સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં ગરમીને કારણે ઝાડા ઊલટીના કેસમાં પણ વધારો થતો હોય છે. આ ઉપરાંત પ્રદુષિત પાણી પીવાથી પણ ઝાડા ઊલટીના કેસ સામે આવતા હોય છે. ગત સપ્તાહમાં સોલા સિવિલ હોસ્પિટલમાં ઝાડા ઊલટીના 7 કેસ નોંધાયા હતા. તે સાથે જ ટાઇફોડના 3 કેસ નોંધાયા હતા.