કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચઃ ભારતની સૌથી મોટી આબોહવા ઘડિયાળ સક્રિય થઈ
નવી દિલ્હીઃ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) એ પૃથ્વી દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમના ભાગરૂપે પૃથ્વી દિવસ નિમિત્તે નવી દિલ્હીના રફી માર્ગ ખાતે CSIR મુખ્યાલયમાં ભારતની સૌથી મોટી આબોહવા ઘડિયાળ સ્થાપિત અને સક્રિય કરી છે. આ ઈવેન્ટનું આયોજન ક્લાઈમેટ ચેન્જ અને તેની ખરાબ અસરો વિશે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવ્યું હતું.
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતની સૌથી મોટી આબોહવા ઘડિયાળ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ CSIR હેડક્વાર્ટર ખાતે સક્રિય કરવામાં આવી હતી. આ પ્રસંગે આઈઆઈટી, બોમ્બેના પ્રોફેસર ચેતનસિંહ સોલંકી અને એનર્જી સ્વરાજ ફાઉન્ડેશનના ફાઉન્ડરે જણાવ્યું હતું કે, દેશના દરેક નાગરિકે ઉર્જા સાક્ષર બનવાની તાતી જરૂરિયાત છે. તેમણે કહ્યું હતું કે, દરેક નાગરિકે શક્ય તેટલો ઉર્જાનો ઉપયોગ ટાળવા અથવા ઘટાડવા માટે પગલાં લેવા જોઈએ.
બીજી તરફ, સભાને સંબોધિત કરતી વખતે, સીએસઆઈઆરના મહાનિર્દેશક ડૉ. એન. કલાઈસેલ્વીએ કહ્યું હતું કે, પૃથ્વી દિવસ આપણા માટે પર્યાવરણની રક્ષા માટે યાદ અપાવે છે. તેમણે માહિતી આપી હતી કે, CSIR-એનર્જી સ્વરાજ ફાઉન્ડેશન એમઓયુ હેઠળ, CSIR ખાતે મોટી સંખ્યામાં વૈજ્ઞાનિકો અને સ્ટાફે ઊર્જા સાક્ષરતાની તાલીમ લીધી છે. દર વર્ષે, 22 એપ્રિલને પૃથ્વી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે પર્યાવરણીય સંરક્ષણ માટે સમર્થન આપવા માટે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, પૃથ્વી દિવસ 1970માં પહેલીવાર ઉજવવામાં આવ્યો હતો.