અમદાવાદઃ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને ઈ-મેમો આપવામાં આવે છે. શહેરમાં ચાર રસ્તાઓ પર લગાવેલા સીસીટીવી કેમેરા દ્વારા કંન્ટ્રોલરૂમથી વાહનો પર ધ્યાન રાખવામાં આવતું હોય છે. અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને આ-મેમો ફટકારવામાં આવતો હોય છે. વર્ષ 2023માં ટ્રાફિકનાં નિયમના ભંગ બદલ 2.14 લાખ વાહનચાલકને ઈ-મેમો અપાયો હતો. જેમાં દંડ નહીં ભરનારા 1.57 લાખ વાહનમાલિકો સામે ટ્રાફિક પોલીસે કેસ કર્યો હતો. કોર્ટે તમામને નોટિસ મોકલવા છતાં માત્ર 9420 વાહનચાલકોએ કોર્ટમાં જઈ દંડ ભર્યો હતો. બાકીના 1.47 લાખે ઈ-મમો ભર્યો નથી. હવે ટ્રાફિક ઈ-મેમો માટે ખાસ બનાવવામાં આવેલી વર્ચુઅલ કોર્ટ સમન્સ કાઢવા ઉપરાંત વધુ કાનૂની કાર્યવાહી કરશે.
શહેરમાં ટ્રાફિકનો ભંગ કરનારા 1.47 લાખ વાહનમાલિકોનો દંડ બાકી બોલે છે. પોલીસે આ-મેમો માકલ્યા બાદ પણ વાહનમાલિકો દ્વારા દંડ ભરવામાં આવ્યો નથી, ત્યારબાદ લોક અદાલતમાં પણ વાહનચાલકોએ મેમો ન ભરતા ટ્રાફિક પોલીસે કોર્ટમાં કેસ મોકલ્યા હતા.હવે નહી ભરનારા લોકો સામે કોર્ટની કાર્યવાહી કરાશે.
ટ્રાફિક પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઈ-મેમો મળ્યાના 90 દિવસમાં વાહનચાલકો દંડ ન ભરે તો ટ્રાફિક પોલીસ કેસ વર્ચુઅલ કોર્ટમાં મોકલતી હોય છે. કોર્ટ તેમની સામે સમન્સ કાઢીને તે પછી કાનૂની કાર્યવાહી કરે છે. ગુજરાત કાનૂની સેવા સત્તામંડળ દ્વારા યોજવામાં આવતી લોકઅદાલતમાં ટ્રાફિકના નિયમોના ભંગ અંગેના ઈ-મેમોના કેસ મુકવામાં આવે છે. જે વાહનચાલકો લોક અદાલતમાં દંડ ભરી દે તેના કેસનો નિકાલ કરાય છે. ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ 2023માં આડેધડ પાર્કિંગ કરનારા 38 હજાર વાહન ચાલકો સામે કેસ કરીને સ્થળ પર જ રૂ.2.03 કરોડનો દંડ ફટકાર્યો હતો, જો કે આ કેસમાં ટ્રાફિક પોલીસ દ્વારા ગાડીને લોક કરી દેવી તથા વાહન ટો કરી સ્થળ પર જ દંડ લેવામાં આવ્યો હોવાથી આ તમામ દંડ ભરાયો હતો. સાથે જ ટ્રાફિક પોલીસ દ્વારા ફ્રી લેફ્ટ ટર્ન રોકનારા 1194 વાહનચાલકો સામે કેસ કરીને 6.82 લાખનો દંડ સ્થળ પર જ ઉઘરાવ્યો હતો.