નાણાકીય સલાહકાર કંપનીએ ભારતની GDP વૃદ્ધિ 6.6 ટકા રહેવાનો અંદાજ રાખ્યો
નવી દિલ્હીઃ નાણાકીય સલાહકાર કંપની ડેલોઈટ ઈન્ડિયાએ વર્તમાન નાણાકીય વર્ષ 2024-25માં ભારતનો આર્થિક વિકાસ દર 6.6 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. ડેલોઇટે આ માટે નિકાસમાં વધારો અને મૂડીપ્રવાહને મુખ્ય કારણો ગણાવ્યા છે.
ડેલોઈટ ઈન્ડિયાએ શુક્રવારે ભારતના આર્થિક દૃષ્ટિકોણ પર જાહેર કરેલા તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, વર્તમાન નાણાકીય વર્ષ 2024-25માં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્ધિ દર 6.6 ટકા રહેવાનો અંદાજ છે. અહેવાલ મુજબ મધ્યમ આવક જૂથની ઝડપી વૃદ્ધિને કારણે ખરીદ શક્તિમાં વધારો થયો છે. પ્રીમિયમ લક્ઝરી ઉત્પાદનો અને સેવાઓની માંગ પણ ઉભી થઈ છે.
નાણાકીય સલાહકાર કંપનીએ છેલ્લા નાણાકીય વર્ષ 2023-24 માટે ભારતના આર્થિક વિકાસ દરના અનુમાનને પણ સુધારીને 7.6 ટકા અને 7.8 ટકાની વચ્ચે કર્યો છે. ડેલોઇટે જાન્યુઆરીમાં ગત નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિ દર 6.9 થી 7.2 ટકાની રેન્જમાં રહેવાનો અંદાજ મૂક્યો હતો.
ડેલોઇટે તેના આર્થિક અંદાજમાં જણાવ્યું હતું કે, દેશનો જીડીપી વૃદ્ધિ દર ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં લગભગ 6.6 ટકા અને આગામી નાણાકીય વર્ષમાં 6.75 ટકા સુધી પહોંચવાની અપેક્ષા છે. ફાઇનાન્શિયલ કન્સલ્ટન્સી ડેલોઇટ ઇન્ડિયાના અર્થશાસ્ત્રી રુમકી મજુમદારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વૈશ્વિક અર્થતંત્રમાં 2025માં સિંક્રનસ પરિવર્તન જોવા મળે તેવી અપેક્ષા છે.
કેન્દ્રીય નાણા મંત્રાલયે એક દિવસ પહેલા જાહેર કરેલા તેના માસિક આર્થિક સમીક્ષા અહેવાલમાં જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે પડકારો હોવા છતાં, ભારત સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા છે.