લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કામાં 88 બેઠકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં અંદાજે 67 ટકા મતદાન
નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીમાં આજે બીજા તબક્કામાં આજે 88 બેઠકો માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. મતદાન પૂર્ણ થયું ત્યારે એકંદરે 67 ટકાથી વધુ મતદાન થયાનું જાણવા મળે છે. આજે 88 બેઠકો ઉપર 1202 જેટલા ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થયું હતું. બીજા તબક્કાના મતદાન દરમિયાન કેટલાક સ્થળો ઉપર રાજકીય પાર્ટીઓના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયાનું સામે આવ્યું છે. દરમિયાન પાંચ વાગ્યા સુધી 88 બેઠકો ઉપર 64 ટકા જેટલુ મતદાન થયું હતું. સાંજે પાંચ વાગ્યા સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં 67.22 ટકા, રાજસ્થાનમાં 59.19 ટકા, મધ્યપ્રદેશમાં 54.58 ટકા, મહારાષ્ટ્રમાં 53.51 ટકા, કર્ણાટકમાં 63.90 ટકા, પશ્ચિમ બંગાળમાં 71.84 ટકા, અસમમાં 70.66 ટકા, મણિપુરમાં 76.06 ટકા, ત્રિપુરામાં 76.23 ટકા, ઉત્તરપ્રદેશમાં 52.64 ટકા, બિહારમાં 53.03 ટકા, છત્તીસગઢમાં 72.13 ટકા અને કેરલમાં 63.97 ટકા જેટલુ મતદાન થયું હતું. રાજ્યમાં તાજેતરમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું. પ્રથમ તબક્કામાં 108 જેટલી બેઠકો ઉપર 60 ટકાથી વધારે મતદાન થયું હતું.
આજે બીજા તબક્કામાં જે 88 બેઠકો ઉપર મતદાન થયું છે તેમાં 20 કેરળની, કર્ણાટકની 14, રાજસ્થાનની 13, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની આઠ-આઠ, મધ્યપ્રદેશની છ, આસામ અને બિહારની પાંચ-પાંચ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળની ત્રણ-ત્રણ સીટ છે. જમ્મુ-કાશ્મીર અને ત્રિપુરાની એક-એક સીટનો સમાવેશ થાય છે. શરૂઆતમાં બીજા તબક્કામાં 89 બેઠકો પર મતદાન થવાની ધારણા હતી, પરંતુ માયાવતીની બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારના મૃત્યુ પછી, મધ્યપ્રદેશના બેતુલમાં મતદાન ફરીથી શેડ્યૂલ કરવામાં આવ્યું હતું. હવે બેતુલમાં ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે.
બીજા તબક્કાના ભાજપના ઉમેદવારોમાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર, કોંગ્રેસના શશિ થરૂર, અભિનેતા અરુણ ગોવિલ, અભિનેત્રી હેમા માલિની અને ભાજપના વરિષ્ઠ નેતા તેજસ્વી સૂર્ય અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ, ભૂપેશ બઘેલ અને અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતના ભાવી ઈવીએમમાં બંધ થયાં છે. આજે બીજાના મતદાન પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના રાજકીય આગેવાનઓએ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદારોને લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે ખાસ કરીને યુવા અને મહિલા મતદારોને ઉત્સાહભેર મતદાન કરવા કહ્યું હતું.