અમદાવાદઃ રિવરફ્રન્ટ પર મતદાન જાગૃતિ માટે ડ્રોન શો અને મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન
અમદાવાદઃ લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતગર્ત અમદાવાદ શહેર અને જિલ્લામાં 7 મી મેના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં વધુ ને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો થકી મતદારોની સહભાગીતા વધે એ સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી તંત્ર તેમજ અનેક ખાનગી સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
ત્યારે મુખ્ય નિર્વાચીન અધિકારી કચેરી ગાંધીનગર, અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ રેડ એફ.એમના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ગ્રાઉન્ડ ખાતે મતદાન જાગૃતિ માટે ડ્રોન શો તેમજ મ્યુઝિકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રોન શોમાં 100 જેટલા ડ્રોન થકી મતદાન જાગૃતિને લઈને વિવિધ મેસેજ આપવામાં આવ્યા હતા.
આ સાથે મ્યુઝિકલ નાઈટ તેમજ કાવ્યપઠનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સિંગર દ્વારા મ્યુઝિકલ પરફોર્મન્સ સાથે મતદાન જાગૃતિનો મેસેજ આપવામાં આવ્યો હતો. આ સાથે વિવિધ કવિ અને કવિયત્રીઓ દ્વારા પણ મતદાન જાગૃતિનો મેસેજ આપતાં કાવ્યો રજૂ કરી મતદાનનો સંદેશ અપાયો હતો. આ ઉપરાંત અમદાવાદની ફૂટબોલ ટીમ અમદાવાદ એવેંજરસના ખેલાડીઓએ દ્વારા લોકો વધુમાં વધું મતદાન કરે એ માટે મતદાન જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ અવસરે સંયુક્ત નિર્વાચન અધિકારી પી.ડી. પલસાણા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશર સી.એમ ત્રિવેદી, અમદાવાદના અધિક ચૂંટણી અધિકારી યોગેશ ઠકકર, અમદાવાદના અધિક ચૂંટણી અધિકારી નેહાબેન ગુપ્તા તેમજ રેડ એફ.એમના આરજે દેવકી તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત લોકસભા ચુંટણીને અનુલક્ષી મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો આયોજિત થઇ રહ્યા છે. જેમાં સમાજનું ઘડતર કરનાર શિક્ષકો પણ લોકશાહીના પર્વને ઉજવવા ઉત્સાહભેર જોડાયા છે.
જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા લુણાવાડા સંતરામપુર વીરપુર અને બાલાસિનોર ખાતે મતદાન જાગૃતિ અન્વયે ફ્લેશ મોબ એક્ટીવીટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લુણાવાડા ખાતે જિલ્લા કલેકટર નેહાકુમારી જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ, પ્રાંત અધિકારી આનંદ પાટિલ, પ્રોબેશનલ આઈએએસ મહેંક જૈન, જિલ્લા પ્રાથમિક પ્રાથમિક શિક્ષણઅધિકારી અવનીબા મોરી સહીત મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા.
આ મતદાન જાગૃતિ રેલી લુણેશ્વર મહાદેવ મંદિરથી નીકળી કોટેજ ચોકડી સુધી પહોંચી હતી. જેમાં મતદાન જાગૃતિના ગરબા, ગીત, નાટક, પ્રતિજ્ઞા અને સુત્રોચ્ચાર સહીતની વિવિધ એકટીવીટી કરવામાં આવી હતી. ખાસ કરીને મોબાઈલની ફ્લેશ લાઈટ સાથે કરવામાં આવેલ વિવિધ પ્રવુત્તિઓએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. કલેકટર,ડીડીઓ સહીતના અધિકારીઓએ સમગ્ર રેલી દરમિયાન શિક્ષકોની આ મતદાતાઓને જાગૃત કરવા માટેની વિશેષ પ્રવુત્તિમાં જોડાઈને સમગ્ર ટીમને સફળ કાર્યક્રમ બદલ અભિનંદન પાઠવ્યા હતા.