પોરબંદર નજીક દરિયામાંથી ડ્રગ્સના જથ્થા સાથે 14 પાકિસ્તાની નાગરિકો ઝડપાયાં
અમદાવાદઃ ગુજરાતમાં નશાના કાળાકારોને તોડી પાડવા અને આવા વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને ઝડપી લેવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન ગુજરાતના દરિયામાંથી ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું છે. ભારતીય કોસ્ટગાર્ડે એક ઓપરેશન હાથ ધરીને દરિયામાંથી 90 કિલો ડ્રગ્સના જથ્થા સાથે 14 જેટલા પાકિસ્તાની નાગરિકોને ઝડપી લીધા હતા. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મોટી સફળતા મેળવી હોવાનું જાણવા મળે છે. તમામ પાકિસ્તાની નાગરિકોની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે. ગુજરાતના પોરબંદર નજીક દરિયામાંથી ઝડપાયેલા આ ડ્રગ્સની કિંમત રૂ. 600 કરોડથી વધુ હોવાનું જાણવા મળે છે.
ભારતીય કોસ્ટ ગાર્ડે રવિવારે ગુજરાતની દરિયાઈ સરહદે એક ઓપરેશનમાં 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરી હતી. આમાંથી સાત લોકો 90 કિલો ડ્રગ્સ સાથે ઝડપાયા હતા. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB), ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત રીતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ડ્રગ્સની દાણચોરીને રોકવા માટે ઓપરેશન હાથ ધર્યું હોવાના અહેવાલ છે. સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અંગેની ગુપ્ત માહિતી થોડા દિવસો પહેલા જ મળી હતી. આ પછી એજન્સીઓએ સાથે મળીને પૂરી તૈયારી સાથે ડ્રગ્સની દાણચોરી બંધ કરી દીધી. દરિયા સરહદ પાસેથી ફરી એકવાર કરોડની કિંમતના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ઝડપાતા સુરક્ષા એજન્સીઓ વધારે સાબદી બની છે, તેમજ જળસીમા અને દરિયાકાંઠા વિસ્તારમાં પેટ્રોલીંગ વધારે તેજ બનાવવામાં આવ્યું છે. આરોપીઓની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.