અમદાવાદઃ ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MoES) દ્વારા શરૂ કરાયેલા મહત્વાકાંક્ષી “ડીપ ઓશન સર્વે ફોર ટેક્સોનોમી એન્ડ ઇકોસિસ્ટમ એક્સપ્લોરેશન (DOSTEE)” પ્રોજેક્ટ હેઠળ, વૈજ્ઞાનિકો ઊંડા સમુદ્રના રહસ્યો ઉજાગર કરવા માટે સમુદ્રમાં ઉતરી રહ્યા છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ભારતીય દરિયાકિનારે અને ઊંડા સમુદ્રના પર્વતોમાંથી મળતા સૂક્ષ્મ જીવોની વિવિધતા શોધી કાઢવાનો અને તેમનો ઉપયોગ નવી દવાઓ અને ઉદ્યોગ માટે ઉપયોગી બનતા પદાર્થો શોધવાનો છે.
આ ગ્રાઉન્ડબ્રેકિંગ પહેલમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) સહિત 7 દેશભરની પ્રતિષ્ઠિત સંસ્થાઓ ભાગ લઈ રહી છે. આ પ્રોજેક્ટ પર 20 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. સ્કૂલ ઓફ એપ્લાઇડ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (SAST)-GTUના ડૉ. ચંદ્રશેખર મૂતપલ્લી, ડૉ. નીલમ નાથાની અને ડૉ. વૈભવ ભટ્ટની નેતૃત્વવાળી ટીમ ઊંડા દરિયાના જીવોની વિવિધતા શોધી રહી છે. અને તેમનાથી મળી શકે તેવા ઉપયોગી પદાર્થો શોધી રહી છે. આ શોધથી ઊંડા સમુદ્રના પર્યાવરણ અને તેમાં રહેતા સૂક્ષ્મજીવો વિશે આપણને વધુ જાણવામાં મદદ મળશે.નવી દવાઓ અને ઉપયોગી ઉત્પાદનો શોધવામાં મદદ મળશે જેનો ઉપયોગ ગંભીર રોગોની સારવાર માટે થઈ શકે છે.
આ પ્રોજેક્ટમાં ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC), ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU), CSIR-ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઇક્રોબાયલ ટેક્નોલોજી (CSIR-IMTECH), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ મોહાલી (IISER Mohali) Nucleome Informatics Pvt Ltd, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઇન એન્વાયર્નમેન્ટલ હેલ્થ (NIREH), નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેક્નોલોજી (NIOT) અને સેન્ટર ફોર મરીન લિવિંગ રિસોર્સિસ એન્ડ ઇકોલોજી (CFMLRE), કોચી સહિત દેશની 8 પ્રતિષ્ઠિત સંસ્થાઓ ભાગ લઈ રહી છે.