સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો. સાયલાથી ત્રણ કિલોમીટર દૂર કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારીને રોડ સાઈડ પરથી ઉતરીને ઊંડા ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં બે વ્યક્તિના મોત થયા હતા. જ્યારે ત્રણ જણાંને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો દાડી આવ્યો હતો.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળે છે કે, મહારાષ્ટ્રના પુનાના વતની સંજયભાઈ ગોવિંદભાઈ રૂઢ ( ઉ.વ.41) અને તેમના પત્ની ઈશિતાબેન અને દીકરો ધીરજભાઈ તેમજ નજીકના સગા ચક્રધારા રાજુભાઈ રાઠોડ (ઉ.વ. 23) સાથે કચ્છમાં લગ્નમાં ગયા હતા. અને લગ્નની રસમ પૂરી કરીને દ્વારકા દર્શન કરીને કારમાં રાજકોટથી પુના તરફ જઈ રહ્યા હતા. દરમિયાન સાયલાથી ત્રણ કિમી દૂર કારચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારી રોડ સાઈડના ઊંડા ખાડામાં ખાબકી હતી. જેમાં સંજયભાઈ રૂઢ અને ચક્રધારા રાઠોડનું મોત નિપજ્યુ હતું. બનાવની જાણ થતાં પોલીસ દોડી આવી હતી. અને બંનેની લાશ પીએમ માટે સાયલા દવાખાને મોકલી આપવામાં આવી હતી. જ્યારે ઇજાગ્રસ્ત ઈશિતાબેન અને ધીરજભાઈને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવામાં આવ્યા હતા. આ બાબતની પુના ખાતે રહેતા સંજયભાઈના પરિવારને જાણ કરવામાં આવી હતી.
અકસ્માતનો બીજો બનાવ સાયલા માર્કેટિંગ યાર્ડ પાસે બન્યો હતો. આ બનાવમાં પૂરઝડપે પસાર થતાં ડમ્પરે છત્રીયાળા ગામના દશરથભાઈ રણછોડભાઈ મકવાણાને અડફેટે લેતા શરીરના ભાગે ગંભીર ઈજા થતાં તેમને સાયલા દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ હાથના ભાગે ગંભીર ઈજા થવાને કારણે તેમને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માત બાબતે સાયલા પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.