નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ ઉપર અત્યાચારના કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. કેસની તપાસ સુપ્રીમ કોર્ટમાં સોંપવાના હાઈકોર્ટના આદેશને પશ્ચિમ બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સંદેશખાલી કેસ મામલે પશ્ચિમ બંગાળ સરકારના વલણ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમજ ગંભીર નોંધ લીધી હતી કે, સરકાર ખાનગી વ્યક્તિ સામે કરવામાં આવી રહેલી તપાસનો કેમ કરી રહી છે. આ કેસની સુનાવણી હવે જુલાઈના બીજા સપ્તાહમાં યોજાશે.
સંદેશખાલી કેસની તપાસ સીબીઆઈને સોંપવા સામે પશ્ચિમ બંગાળ સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી જુલાઈના બીજા સપ્તાહ સુધી મુલતવી રાખવામાં આવી છે. રાજ્ય સરકારે તેને 1 અઠવાડિયા સુધી મુલતવી રાખવા વિનંતી કરી હતી. સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે રાજ્યની મમતા બેનર્જી સરકાર અહીં પેન્ડિંગ કેસના આધારે હાઈકોર્ટમાં કોઈ ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે નહીં. સુનાવણી દરમિયાન, કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, રાજ્ય સરકાર ખાનગી વ્યક્તિ સામે કરવામાં આવી રહેલી તપાસનો વિરોધ કરી રહી છે.
કોલકાતા હાઈકોર્ટે 10 એપ્રિલે સંદેશખાલીમાં મહિલાઓના શોષણ અને લોકોની જમીન હડપ કરવાના આરોપોની તપાસ સીબીઆઈને સોંપી હતી. રાજ્ય સરકાર તેનો વિરોધ કરી રહી છે. હકીકતમાં, સંદેશખાલીની ઘણી મહિલાઓએ આરોપ લગાવ્યો છે કે, શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સસ્પેન્ડેડ નેતા શેખ શાહજહાં અને તેના સહયોગીઓએ જાતીય સતામણી કરી જમીન હડપ કરી છે. આ ઘટનાનો સ્થાનિકોએ રસ્તા ઉપર ઉતરીને વિરોધ વ્યક્ત કર્યો હતો.(રિવોઈ)