નર્મદા ડેમમાંથી 30,000 ક્યુસેક પાણી છોડાતા કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા, પરિક્રમા સ્થગિત
રાજપીપળાઃ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ભર ઉનાળે નદીમાં 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. વીજળીની માગને પહોંચી વળવા માટે નર્મદા ડેમના રિવર બેડ પાવર હાઉસનાં ત્રણ ટરબાઈન ચાલુ કરાતાં નર્મદા નદીમાં 30,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેથી નર્મદા નદીની જળસપાટી 2 મીટર વધવાની શક્યતા છે. આથી નદીકાંઠાના ગામોને સાવચેત કરાયા છે. ઉપરાંત નર્મદા પરિક્રમા પણ 10 દિવસ સ્થગિત કરવામાં આવી છે. પરિક્રમામાં જોડાયેલા શ્રદ્ધાળુઓને નદીના પટમાં ન જવાની સુચના આપવામાં આવી છે.
રાજ્યના જીવાદોરી સમાન ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ભર ઉનાળે 30 હજાર ક્યુસેક પાણી છોડાતા નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વધવાની શક્યતા છે. જેથી નર્મદા નદીમાં સહેરાવથી તિલકવાડા વચ્ચે જે કામચલાઉ બ્રિજ બનાવ્યો છે. જેની ઉપરથી પાણી જવાની શક્યતાઓ છે. જ્યાં રાત્રિના સમયે પરિક્રમાવાસીઓની ભીડ વધુ હોય આથી સુરક્ષા માટે હાલ પરિક્રમા સ્થગિત કરવામાં આવી છે. ઉપરાંત નદી કાંઠાના ગામોને પણ સાવચેત કરાયા છે.
નર્મદા કન્ટ્રોલ ઓથોરિટી દ્વારા તા.29/4/2024ના રોજ સાંજે 8 વાગ્યાથી 30,000 ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડાયું છે. જેના લીધે પરિક્રમા રૂટ પરના શહેરાવથી તિલકવાડા ઘાટ વચ્ચેના કાચા પુલ પરથી પસાર થતા પરિક્રમાવાસીઓની સલામતી માટે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હાલ પરિક્રમા સ્થગિત કરી દેવાઈ છે. આ ઉપરાંત નર્મદા નદીના પટમાં કોઈપણ અવર જવર ન કરે તે માટેની તકેદારી તંત્ર દ્વારા લેવાઈ રહી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, મધ્યપ્રદેશમાં વીજળીની માગ વધતા ભોપાલ ઇન્દોર સ્થિત નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા રિવર બેડ પાવર હાઉસના સંચાલન માટે સરદાર સરોવર ડેમમાંથી 30 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.