ગુજરાતનો 64મો સ્થાપના દિવસઃ બૃહદ મુંબઈને વિભાજિત કરીને ગુજરાત અને મહારાષ્ટ્રને અસ્તિત્વમાં લાવવામાં આવ્યા હતા
અમદાવાદઃ 1 મે ગુજરાત અને મહારાષ્ટ્ર માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે બંને રાજ્યોનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે. વાસ્તવમાં, ભારતની આઝાદી સમયે, ગુજરાત બોમ્બે સ્ટેટનું અભિન્ન અંગ હતું, પરંતુ 1 મે, 1960 ના રોજ, તે બોમ્બે રાજ્યમાંથી વિભાજિત થયું હતું. આવી સ્થિતિમાં, ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોની રચના થઈ અને ત્યારથી ગુજરાત અને મહારાષ્ટ્ર દર વર્ષે 1લી મેના રોજ તેમનો સ્થાપના દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. આજના દિવસે જ કેન્દ્ર સરકારે ભાષાના આધારે બે રાજ્યોની સ્થાપના કરી હતી અને બોમ્બે સ્ટેટ એટલે કે બૃહદ મુંબઈને વિભાજિત કરીને બે રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રને અસ્તિત્વમાં લાવવામાં આવ્યા હતા. ભારતની આઝાદી સમયે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યો બોમ્બે ક્ષેત્રનો ભાગ હતા.
ભાષાકીય સીમાઓના આધારે દેશને રાજ્યોમાં વહેંચવામાં આવ્યો હતો. સ્ટેટ્સ રેકગ્નિશન એક્ટ, 1956 હેઠળ, બોમ્બેને રાજ્ય તરીકે માન્યતા આપવામાં આવી હતી. બોમ્બેની રચના સમયે મરાઠી, ગુજરાતી, કોંકણી અને કચ્છી જેવી ભાષાઓ બોલતા લોકો હતા. ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યો આઝાદી પહેલા અને થોડા સમય માટે બોમ્બે પ્રાંતનો ભાગ હતા. તે સમયે મરાઠી અને ગુજરાતી બોલતા લોકોની સંખ્યા સૌથી વધુ હતી. ભાષાવાર પ્રાદેશિકીકરણને કારણે બંનેએ અલગ રાજ્યની માંગણી કરી.
1956માં આંધ્રપ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતા બૃહદ મુંબઈમાં પણ ભાષાના આધારે અલગ રાજ્યની માગ થવા લાગી. તેના માટે એક મોટું આંદોલન ચલાવાયું. આ આંદોલનને મહાગુજરાત આંદોલન કહેવાય છે. આ આંદોલનના મુખ્ય પ્રણેતા કહો કે જનક કહો તે ઈન્દુલાલ યાજ્ઞિક જ હતા જેમને પ્રેમથી આપણે ઈન્દુચાચા પણ કહીએ છીએ. આ ચળવળ ખરેખર તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શરુ કરી હતી અને ત્યારબાદ ટૂંક જ સમયમાં આ ચળવળ ‘મહાગુજરાત આંદોલન’માં ફેરવાઈ હતી.
ગુજરાત રાજ્યની સ્થાપના સાથે ડો. જીવરાજ મહેતાને રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બનાવાયા અને અમદાવાદ રાજ્યની પ્રથમ રાજધાની બની. આપણા રાજ્યના પ્રથમ ગવર્નર મહેંદી નવાઝ જંગ હતા. તે સમયે રાજ્યમાં કુલ 17 જિલ્લા હતા અને હાલમાં કુલ 33 જિલ્લાઓ થઈ ચૂક્યા છે.