સંદેશખાલી કેસમાં CBIના રિપોર્ટની હાઈકોર્ટે કરી સમીક્ષા, સરકારને તપાસમાં સહયોગ કરવા નિર્દેશ
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં સંદેશખાલીની ઘટનાને લઈને ભારે હોબાળો થયો હતો. કોલકાતા હાઈકોર્ટે સંદેશખાલીમાં મહિલાઓ પર અત્યાચાર અને જમીન પચાવી પાડવાના આરોપોની તપાસ સીબીઆઈને સોંપી હતી. હવે સીબીઆઈએ તપાસનો પ્રાથમિક અહેવાલ હાઈકોર્ટમાં સુપરત કર્યો છે, જેના પર કોર્ટે સંતોષ વ્યક્ત કર્યો છે. ચીફ જસ્ટિસ ટીએસ શિવગન્નમ અને જસ્ટિસ હિરન્મય ભટ્ટાચાર્ય સાથે સીબીઆઈ રિપોર્ટની સમીક્ષા કરી હતી. આ દરમિયાન કોર્ટે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)ને આ કેસમાં પક્ષકાર તરીકે સામેલ કરવાની મંજૂરી આપી. તેમજ તપાસ એજન્સીની માહિતીને ગુપ્ત રાખવાની વિનંતી પણ સ્વીકારવામાં આવી હતી.
10 એપ્રિલના રોજ કોલકત્તા હાઈકોર્ટે સંદેશખાલીમાં મહિલાઓ સામેના ગુનાઓ અને જમીન હડપ કરવાના આરોપોમાં કોર્ટની દેખરેખ હેઠળ સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. તેમજ પ્રોગ્રેસ રિપોર્ટ 2 મેના રોજ દાખલ કરવા સૂચના આપવામાં આવી હતી. આ પહેલા સંદેશખાલીની ઘટનાઓ પર હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવી હતી. તેમજ કહ્યું હતું કે, આ મામલો ખૂબ જ શરમજનક છે. દરેક નાગરિકને સુરક્ષા આપવાની જવાબદારી રાજ્ય સરકારની છે. કોર્ટે કહ્યું હતું કે, સંદેશખાલી કેસમાં જિલ્લા વહીવટીતંત્ર અને પશ્ચિમ બંગાળ સરકાર બંનેએ નૈતિક જવાબદારી લેવી જોઈએ. આ સાથે કોર્ટે સીબીઆઈને મત્સ્ય ઉછેર માટે ખેતીની જમીનના ગેરકાયદે રૂપાંતર અંગે રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. બેન્ચે NHRCને આ કેસમાં પક્ષકાર તરીકે જોડાવાની મંજૂરી આપી હતી. સંદેશખાલીમાં બનેલી ઘટનાઓ અંગે કોર્ટ સુઓ મોટો અરજી અને અન્ય પીઆઈએલની સુનાવણી કરી હતી.