ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતનું એક કરોડનું વીજબિલ બાકી, 1600 મકાનધારકો મુશ્કેલીમાં મુકાશે
અમદાવાદઃ શહેરના ગોતા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસંતનગરમાં વીર સાવરકર હાઈટ્સનું વર્ષ 2017માં મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત નિર્માણ કરવામાં આવેલું છે. આ બહુમાળી વસાહતમાં 13 માળના 1600 જેટલાં ફ્લેટ્સ છે. જેમાં આશરે 80 હજાર જેટલાં લોકો વસવાટ કરી રહ્યા છે. આ વસાહતનું યુજીવીસીએસનું કોમન વીજળી બિલ આશરે એક કરોડ જેટલું બાકી છે. જો તે રકમ નહીં ભરવામાં આવે તો સોસાયટીનું વીજ કનેક્શન કપાઈ જશે. જેથી 49 જેટલી લિફ્ટ બંધ થઈ જશે. ઉપરાંત 1600 ઘરોમાં પીવાનું પાણી મોટર બંધ થતા પહોંચી શકશે નહીં. સોસાયટીના અગાઉના હોદ્દેદારોના ગેરવહિવટને કારણે આ સ્થિતિ ઊભી થઈ હોવાના આક્ષેપ સાથે રહિશોએ સીએમઓમાં રજુઆત કરી છે.
શહેરના ગોતા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસંતનગરમાં મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત વીર સાવરકર હાઇટ્સ- 1 નું 6-7 વર્ષ પહેલા નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સોસાયટીમાં 13 માળના ફ્લેટોમાં 1600 જેટલા મકાનો આવેલા છે. જેમાં વર્ષ 2017થી આશરે 8000 જેટલા રહિશો વસવાટ કરી રહ્યા છે, તે સમયે મેન્ટેનન્સ પેટે 8.98 કરોડનું ભંડોળ ગુજરાત સ્ટેટ-કો ઓપરેટિવ બેન્કમાં મૂકવામાં આવ્યું હતું. બાદમાં વધુ એક કરોડ જેટલી રકમ એકત્ર થઈ હતી. તેના વ્યાજ અને માસિક મેન્ટેનન્સ પેટે વધુ 6 થી 7 કરોડ રૂપિયા એકઠા થયા હતા. આમ કુલ 15 થી 16 કરોડ જેટલી રકમ બેંકમાં મૂકવામાં આવી હતી. સોસાયટીના રહીશોના આક્ષેપ છે કે આ ભંડોળને બેંક, ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા સોસાયટીના હોદ્દેદારોની મિલીભગતથી ગેરવહિવટ કરવામાં આવ્યો છે. સોસાયટીને UGVCLનું બિલ ભરવા 1 કરોડ રૂપિયા જેટલી રકમની જરૂર છે. જો તે રકમ નહીં ભરવામાં આવે તો સોસાયટીનું વીજ કનેક્શન કપાઈ જશે. જેથી 49 જેટલી લિફ્ટ બંધ થઈ જશે. ઉપરાંત 1600 ઘરોમાં પીવાનું પાણી મોટર બંધ થતા પહોંચી શકશે નહીં. હજુ પણ ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે એક કરોડ જેટલી સોસાયટીની રકમ છે, તેની ઉપર વ્યાજ પણ આપવામાં આવતું નથી. આ સંદર્ભે તેમને મુખ્યમંત્રી ઓફિસમાં અરજી પણ કરી છે અને તેની નકલ અમદાવાદ પોલીસને પણ મોકલવામાં આવી છે.
વીર સાવરકર હાઈટ્સના રહિશોના કહેવા મુજબ આ સોસાયટીમાં MIG 01 કેટેગરી અને LIG 02 કેટેગરી અનુક્રમે 1 લાખ અને 50 હજાર રૂપિયા મેન્ટેનન્સ ડિપોઝીટ પેટે આપ્યા હતા. જેની કુલ રકમ 8.98 કરોડ જેટલી થવા જાય છે. નિયમ મુજબ તેની ફિક્સ ડિપોઝિટ નેશનલાઈઝ બેન્કમાં કરવાની હોવા છતાં ગુજરાત સ્ટેટ ઓપરેટિવ બેન્કમાં તેની FD કરવામાં આવી હતી. તેની વ્યાજની રકમમાંથી સોસાયટીના ખર્ચા કરવાના હતા. આ ફિક્સ ડિપોઝિટ તોડી શકાતી નહોતી. તેમ છતાં હોદ્દેદારો દ્વારા ફિક્સ ડિપોઝિટ ઉપર ઓવરડ્રાફ્ટ લેવામાં આવ્યો હતો અને ફંડની ઉચાપત કરવામાં આવી હતી. જેથી બેન્કે FD જપ્ત કરી હતી. બેંકને જાણ કરી હોવા છતાં ગુજરાત હાઉસિંગ બોર્ડના નિર્ણયને અવગણીને ઓવરડ્રાફ્ટ આપવામાં આવ્યો હતો.