MS યુનિવર્સિટીમાં વીજળી ડુલ થતાં વિદ્યાર્થીઓએ લાઈટ કે પંખા વિના અસહ્ય ગરમીમાં આપી પરીક્ષા
વડોદરાઃ શહેરમાં અસહ્ય ગરમીમાં એમએસ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓની પરીક્ષાઓ ચાલી રહી છે. દરમિયાન શુક્રવારે લો ફેકલ્ટી ભવનમાં પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો ખારવાયો હતો. જેના કારણે વિદ્યાર્થીઓએ લાઈટ કે પંખા વિના અસહ્ય ગરમીમાં પરીક્ષા આપવાની ફરજ પડી હતી.
વડોદરામાં એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં લો ફેકલ્ટી ખાતે પણ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શુક્રવારે પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હોવાથી ગરમીમાં વિદ્યાર્થીઓને લાઈટ અને પંખા વગર પરીક્ષા આપવાનો વારો આવ્યો હતો. કોમર્સની એસવાયની પરીક્ષાની બેઠક વ્યવસ્થા કોમર્સ તેમજ બીજી ફેકલ્ટીઓમાં પણ ગોઠવવામાં આવી છે.જેમાં લો ફેકલ્ટીનો પણ સમાવેશ થાય છે.વીજ કંપનીએ લો ફેકલ્ટી જયાં આવેલી છે તે ડોનર્સ પ્લાઝા (મહારાજા પ્રતાપસિંહરાવ પરિસર) વિસ્તારમાં સમારકામના કારણે વીજ પુરવઠો સવારે સાત વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી બંધ રહેશે તેવી જાહેરાત અગાઉ કરી હતી. જોકે આ બાબત યુનિના સત્તાધીશોના ધ્યાનમાં ન આવતા વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી નહોતી.જેના કારણે વિદ્યાર્થીઓને આખી પરીક્ષા લાઈટ અને પંખા વગર આપવાનો વારો આવ્યો હતો. હાલમાં ચાલી રહેલા હીટવેવના કારણે સવારથી ગરમી શરુ થઈ જતી હોવાથી વિદ્યાર્થીઓની બીજી રીતે પણ પરીક્ષા લેવાઈ ગઈ હતી.કેટલાક વર્ગોમાં જ્યાં સૂર્યપ્રકાશ ઓછો આવતો હતો ત્યાં સરવાળે અંધારમાં પણ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાનો વારો આવ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, પરીક્ષા ખંડમાં ઓછો પ્રકાશ હોવાથી વિદ્યાર્થીઓએ ખંડ નિરીક્ષકને ફરિયાદો પણ કરી હતી. પણ ખંડ નિરીક્ષકો પણ લાચાર હતા. અને થોડા સમયમાં વીજ પુવઠો કાર્યરત થઈ જશે એવી હૈયાધારણ આપી હતી.