ગુજરાતમાં સરકારી યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં પ્રવેશ માટે GCAS પર રજિસ્ટ્રેશન ફરજિયાત
અમદાવાદઃ ગુજરાતમાં તમામ સરકારી યુનિવર્સિટીઓ અને તેને સંલગ્ન કોલેજોમાં GCAS પોર્ટલ પર ફરજિયાત રજિસ્ટ્રેશન કરવું પડશે. વિદ્યાર્થીઓ ઘેરબેઠા પસંદગીની સરકારી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પ્રવેશ મેળવી શકશે. નવા શૈક્ષણિક સત્રથી તેનો અમલ થશે. પ્રવેશ અરજી કરવાની પ્રક્રિયા વિશે વધુ માહિતી મેળવવા માટે gcas.gujgov.edu.in/Content/general-instructions-196 ઉપર કિલક કરવું અથવા gcas.gujgov.edu.in પોર્ટલની મુલાકાત લેવા જણાવાયું છે.
શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ કમિશનરની કચેરીના તાબા હેઠળની 15 સરકારી યુનિવર્સિટી અને યુનિવર્સિટી સાથે સંલગ્ન કૉલેજોમાં અન્ડર ગ્રેજ્યુએશન (સ્નાતક), પોસ્ટ ગ્રેજ્યુએશન (અનુસ્નાતક) અને પીએચ.ડી. કક્ષાના ડિગ્રી અભ્યાસક્રમોમાં શૈક્ષણિક વર્ષ 2024-25માં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ‘ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલ -જીકેસ (GCAS)’ની રચના કરવામાં આવી છે. રાજ્યની યુનિવર્સિટીઓમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમોમાં રેગ્યુલર અને એક્સટર્નલ અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા માટે શૈક્ષણિક વર્ષ 2024-25થી gcas.gujgov.edu.in પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
આ અંગે માહિતી આપતા શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની 15 સરકારી યુનિવર્સિટી અને યુનિવર્સિટી સાથે સંલગ્ન કૉલેજોમાં અન્ડર ગ્રેજ્યુએશન (સ્નાતક), પોસ્ટ ગ્રેજ્યુએશન (અનુસ્નાતક) અને પીએચ.ડી. કક્ષાના ડિગ્રી અભ્યાસક્રમોમાં શૈક્ષણિક વર્ષ 2024-25માં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરવવું ફરજિયાત છે. GCAS પોર્ટલ પર દર્શાવેલ કોર્સિસની પસંદગી કરી, પ્રવેશપ્રક્રિયા માટે રજિસ્ટ્રેશન કરાવવા માટેનું અનિવાર્ય પ્લેટફોર્મ છે. GCAS પોર્ટલ વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન અને એકથી વધુ યુનિવર્સિટી, કૉલેજ તથા અભ્યાસક્રમો માટે પ્રવેશઅરજી કરવાની સુવિધા પૂરી પાડે છે. રજિસ્ટ્રેશન પછી પ્રવેશપ્રક્રિયાની તમામ કાર્યવાહી વિદ્યાર્થીએ પસંદ કરેલી યુનિવર્સિટીના નિયમાનુસાર થશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, GCAS પોર્ટલ અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષામાં ઉપલબ્ધ છે. પ્રવેશ અરજી કરવાની પ્રક્રિયા વિશે વધુ માહિતી મેળવવા માટે gcas.gujgov.edu.in/Content/general-instructions-196 ઉપર કિલક કરવું અથવા gcas.gujgov.edu.in પોર્ટલની મુલાકાત લેવી, વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન સંબંધિત કોઈ પણ પ્રકારની સહાય મેળવવા માટે પોતાની નજીકની સરકારી કે અનુદાનિત કૉલેજ તથા યુનિવર્સિટીના હેલ્પ સેન્ટરનો સંપર્ક કરવાનો રહેશે. રાજ્યમાં ઉપલબ્ધ તમામ હેલ્પ સેન્ટરની માહિતી GCAS પોર્ટલ પર ઉપલબ્ધ છે.