અમદાવાદઃ દેશની અગ્રણી સહકારી સંસ્થા ઈફ્કોના ડિરેક્ટર્સની ચૂંટણીમાં ભાજપના જ નેતાઓ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. આ ચૂંટણીમાં ભાજપ દ્વારા બિપિન પટેલ (ગોતા)ને મેન્ડેટ આપવામાં આવ્યો છે. એટલે ભાજપના સત્તવાર ઉમેદવાર બિપિન પટેલ છે, અને કેન્દ્રિય સહકાર મંત્રી અમિત શાહના નજીકના ગણાય છે. જ્યારે સામે ભાજપના નેતા અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયા અને મોડાસાના પંકજ પટેલ પણ મેદાનમાં છે. એટલે ચૂંટણીનો જંગ રસાકસીભર્યો અને રસપ્રદ બનશે
દેશની અગ્રણી સહકારી સંસ્થા ‘ઇફ્કો’ની આગામી 9 મેંના રોજ યોજાનારી ડાયરેક્ટર બોર્ડની ચૂંટણી પૂર્વે સહકારી ક્ષેત્રમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. અંતિમ દિવસે ચૂંટણી ફોર્મ પરત ન ખેંચાતા હવે ગુજરાતમાં ત્રણ સહકારી ઉમેદવારો વચ્ચે રસાકસીનો જંગ જામશે. જેમાં રાજકોટના જયેશ રાદડિયા, અમદાવાદના બિપિન પટેલ અને મોડાસાના પંકજ પટેલનો સમાવેશ થાય છે. સહકારી ચૂંટણીમાં પણ પાર્ટી મેન્ડેટ ફરજીયાત કરવાનો નિર્ણય હોવાથી ભાજપ દ્વારા આ વખતે બિપિન નારણભાઈ પટેલ (ગોતા)ને મેન્ડેટ આપવામાં આવ્યું હતું. જો કે, જયેશ રાદડિયાએ પણ મેન્ડેટ વગર ફોર્મ ભરી દીધું હતું અને શુક્રવારે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો, પરંતુ કોઈએ ફોર્મ પરત ન ખેંચતા રાજકોટના જયેશ રાદડિયા, અમદાવાદના બિપિન પટેલ અને મોડાસાના પંકજ પટેલ વચ્ચે ચૂંટણી જંગ જામશે. ત્યારે સહકારી ક્ષેત્રના રાજકારણમાં કોણ બાજી મારશે તે વિશે સહકારી તથા રાજકીય વર્તુળોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.
સૂત્રોના કહેવા મુજબ કેન્દ્રીય સહકારી મંત્રી અમિત શાહ ગત 27 એપ્રિલના રોજ ચૂંટણી પ્રચાર માટે જામકંડોરણામાં જાહેરસભાને સંબોધન કર્યું હતું. ત્યાર બાદ જયેશ રાદડિયાના નિવાસ સ્થાને દોઢ કલાક જેટલો સમય વિતાવી ભોજન પણ લીધું હતું. ત્યાર પછી સહકારી ક્ષેત્રનું ચિત્ર બદલાયાની ચર્ચા ચાલી છે. ઇફ્કોના ડાયરેક્ટર બોર્ડમાં ગુજરાતની સીટ પર છેલ્લી બે ટર્મથી જયેશ રાદડિયા બીનહરિફ ચૂંટાતા હતા, પરંતુ આ વખતે સહકારી ક્ષેત્રે પણ ઉમેદવાર પસંદગીમાં વિવાદ જોવા મળી રહ્યો છે.