મત આપો અને સાવ સસ્તામાં મીઠાઈ અને ફરસાણ લઈ જાઓ, અનોખું અભિયાન
અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2024 માં વધુમાં વધુ મતદાન થાય એ માટે તંત્ર વિવિધ માધ્યમો દ્વારા પ્રયાસો કરવામાં આવતા હોય છે, ત્યારે ભાવનગરના વેપારીઓ દ્વારા પણ અવનવા નુસખા અપનાવી લોકોમાં મતદાન જાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યું છે. ભાવનગરમાં તંત્રની સાથે મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી બનવા ભાવનગર સ્વીટ અને ફરસાણ એસોસિએશન દ્વારા અલગ પ્રકારની ઓફર અજમાવી મતદાન જાગૃતતા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠકો પર આગામી તા.7 મે ના રોજ મતદાન યોજાનાર છે. તે પૂર્વે તંત્ર દ્વારા વિવિધ માધ્યમો અને અવનવા નુસખા સાથે મતદાન જાગૃતિ માટે અભિયાન ચલાવી વધુ માં વધુ મતદાન થાય તે પ્રકારે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભાવનગર સ્વીટ અને ફરસાણ એસોસિએશન દ્વારા પણ એક અલગ પ્રકારની ઓફર અજમાવી મતદાન જાગૃતિમાં સહભાગી બનવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
લોકો સામાન્ય રીતે મીઠાઈ અને ફરસાણ ની ખરીદી વિવિધ દુકાનો પરથી કરતા હોય છે ત્યારે સ્વીટ અને ફરસાણ એસોસિએશન હેઠળની દુકાનોમાં રહેલા તમામ સ્વીટ, નમકીન પર મતદાન જાગૃતિના આશરે દોઢ લાખ જેટલા સ્ટીકરો લગાવી લોકોમાં મતદાન જાગૃતિ ફેલાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ભાવનગર સ્વીટ એન્ડ ફરસાણ એસોશિયએશનના પ્રમુખ બૈજુભાઈ મહેતાએ જણાવ્યુંકે, અમે મતદાન જાગૃતિ માટે આ નવતર પ્રયોગ કરી રહ્યાં છીએ. સાત તારીખ છે મતદાનની એટલે અમે મતદારોને 7 ટકા ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કર્યું છે.
ભાવનગર સ્વીટ એન્ડ ફરસાણ એસોશિયએશનના પ્રમુખ બૈજુભાઈ મહેતાએ જણાવ્યુંકે, 7 તારીખના રોજ મતદાન થનાર છે, ત્યારે મતદાનના દિવસે જે લોકો મતદાન કરી અને સ્વીટ કે નમકીન ની ખરીદી કરવા આ દુકાનો પર જશે અને મતદાનની શાહી વાળી આંગળી દુકાનદારને બતાવશે તે ગ્રાહકને સ્વીટ, નમકીન માં 7 ટકા નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આમ લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ વધે તે માટે ભાવનગર સ્વીટ અને ફરસાણ એસોસિએશન દ્વારા અલગ નુસખો અજમાવવામાં આવ્યો છે.