શું આ ત્રણ બેઠકો પર ભાજપ વિજયની હેટ્રિક લગાવી શકશે ? જાણો ભાજપ સામે કયા પડકાર
રાજકોટ બેઠક
આ વખતની ચૂંટણીમાં રાજકોટ લોકસભા બેઠક ખૂબ જ ચર્ચાઓમાં રહી છે. ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજા રજવાડા પર કરેલી ટિપ્પણી બાદ વિરોધ વધી ગયો રૂપાલાની સામે કોંગ્રેસે આ બેઠક પર પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા. પછી વિવાદ ઉભો થયો લેઉવા પાટીદાર vs કડવા પાટીદારોનો. રૂપાલા કડવા પાટીદાર સમાજના છે જયારે ધાનાણી લેઉવા પાટીદાર સમાજથી છે. કોંગ્રેસને આશા છે કે લેઉવા પાટીદારો તેને મત આપશે. બીજી તરફ ક્ષત્રિયોના વિરોધને કારણે ભાજપના એકપણ સ્ટાર પ્રચારકની સભા રાજકોટમાં કરવામાં આવી નથી. પરષોત્તમ રૂપાલાએ શહેરી વિસ્તારોમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું તો પરેશ ધાનાણીએ ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર કર્યો. અહીં ક્ષત્રિયોના મતો નિર્ણાયક સ્થિતિમાં નથી, પરંતુ કોંગ્રેસના લેઉવા પાટીદારનાં દાવની અસર મતદાન પર જોવા મળી શકે છે.
અમરેલી બેઠક
ભાજપે અમરેલી બેઠક પર ભરત સુતરીયાને તો કોંગ્રેસે જેની ઠુમ્મરને મેદાને ઉતર્યા છે. અહીં લેઉવા પાટીદારનાં મત નિર્ણાયક છે, ત્યારે ભાજપ માટે આંતરિક જુથબંધી સૌથી મોટો પડકાર છે. ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા કૌશિક વેકરિયાની નજીક માનવામાં આવે છે, તો સ્થાનિક નેતાઓમાં તેમના પ્રત્યે નારાજગી જોવા મળે છે. જયારે કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર લોકોમાં શિક્ષિત ઉમેદવાર તરીકે છાપ ધરાવે છે, જેને કારણે ભાજપની ઊંઘ ઉડી ગઈ હતી. બંને ઉમેદવારો પાટીદાર હોવાને કારણે મતમાં વિભાજન થાય એ સ્વાભાવિક છે પણ ભાજપે કોળી વોટબેંકને પોતાની તરફ કરવા માટે સમીકરણ ગોઠવ્યું. જો આ રણનીતિ સફળ થાય તો ભાજપની જીત પાક્કી છે.
કચ્છ બેઠક
ભાજપે કચ્છ બેઠક પર વિનોદ ચાવડાને ઉભા રાખ્યા છે, જયારે તેમની સામે કોંગ્રેસે નીતિશ લાલને મેદાને ઉતાર્યા છે. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટા જિલ્લાની કચ્છ બેઠક પર પણ ક્ષત્રિય આંદોલનની અસર જોવા મળે તેવી સંભાવનાઓ છે. આ સીટ પર દલિત, મુસ્લિમ, પટેલ અને આહિર સમાજનું પ્રભુત્વ રહેલું છે. અહીં ભાજપનું હિન્દુત્વનું કાર્ડ ચાલે છે. જો કે આ વખતે ક્ષત્રિય આંદોલનની અસર થઈને સ્થિતિ બદલાઈ ગઈ છે. પરંતુ ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા યુવા અને સ્વચ્છ ઉમેદવાર છે, જેનો ભાજપને ફાયદો થઈ શકે છે.