હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી ધર્મના આધારે આરક્ષણ નહીં થવા દઉઃ વડાપ્રધાન
પૂણેઃ લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના પ્રચાર માટે વડાપ્રધાન મોદી મહારાષ્ટ્રના નંદુરબાર પહોંચ્યા હતા. પીએમએ જનતાને સંબોધિત કરતા કહ્યું કે, અનામત બચાવવા માટે મોદી મહાન યજ્ઞ કરી રહ્યા છે. જ્યાં સુધી મોદી જીવે છે ત્યાં સુધી હું ધર્મના આધારે એસસી, એસટી અને ઓબીસીને એક ટકો પણ અનામત નહીં આપવા દઉં. આરક્ષણને કોઈ સ્પર્શી શકશે નહીં. હું દેશવાસીઓને કહીશ કે મોદી વંચિતોના અધિકારના ચોકીદાર છે. જ્યારે મોદી જેવો ચોકીદાર છે તો કોઈ તમારો હક્ક છીનવી શકે છે.
જનતાને સંબોધિત કરતી વખતે પીએમએ કહ્યું, આજે (10 મે) અક્ષય તૃતીયા છે. જ્યારે કોઈને અક્ષય તૃતીયાના આશીર્વાદ મળે છે, ત્યારે બધું અખૂટ બની જાય છે. નંદુરબારની પ્રખ્યાત ચૌધરીની ચા અંગે પીએમએ કહ્યું, નંદુરબાર આવો અને ચૌધરીની ચા ન પીશો…, ચા અને તમારા પ્રેમના ઋણ વચ્ચેના સંબંધને હું ક્યારેય ભૂલી શકતો નથી. વંચિતો અને આદિવાસીઓની સેવા મારા માટે પરિવારના સભ્યની સેવા કરવા સમાન છે. હું કોંગ્રેસના રાજવી પરિવાર જેવા મોટા પરિવારમાંથી નથી આવતો. હું ગરીબીમાં મોટો થયો છું. તેમને ખાતરી આપુ છું કે હું ત્રીજી ટર્મમાં વધુ ત્રણ કરોડ નવા મકાનો બનાવવાનો છું. અત્યારે આ એક ટ્રેલર છે અને મોદી પાસે હજુ ઘણું કરવાનું છે અને તેમણે તમારા માટે તે કરવાનું છે.
કોંગ્રેસ પર નિશાન સાધતા પીએમએ કહ્યું કે, કોંગ્રેસે ક્યારેય આદિવાસીઓની પરવા કરી નથી. કોંગ્રેસ જાણે છે કે તેઓ વિકાસમાં મોદી સાથે સ્પર્ધા કરી શકે તેમ નથી અને તેથી તેઓ આ ચૂંટણીમાં અનામત અને બંધારણ વિશે જુઠ્ઠાણા ફેલાવીને મત મેળવવા માંગે છે. અનામત મુદ્દે કોંગ્રેસની હાલત ચોર જેવી છે. ધર્મના આધારે તે બાબા સાહેબની ભાવનાઓ વિરુદ્ધ છે. કોંગ્રેસનો એજન્ડા એસસી, એસટી અને ઓબીસીની અનામત છીનવીને તેમની વોટ બેંકમાં આપવાનો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે કર્ણાટકના તમામ મુસ્લિમોને ધર્મના આધારે રાતોરાત ઓબીસીમાં ફેરવી દીધા અને ઓબીસીનો મોટો હિસ્સો લૂંટ્યો. કોંગ્રેસ કર્ણાટકના મોડલને સમગ્ર દેશમાં લાગુ કરવા માંગે છે. મુસ્લિમ આરક્ષણ પર પીએમે કહ્યું, “હું છેલ્લા 17 દિવસથી કોંગ્રેસને પૂછી રહ્યો છું, મેં કોંગ્રેસને પત્ર લખીને જવાબ માંગ્યો છે.” મારા આ પડકાર પર કોંગ્રેસ મૌન છે.