અયોધ્યાઃ અક્ષય તૃતીયાના પાવન પર્વ નિમિત્તે અયોધ્યામાં પ્રભુ શ્રી રામજીને 11 હજાર હાપુસ કેરી અર્પણ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના પુણે શહેરમાંથી શ્રીરામના ભક્તોએ રામલલા પ્રત્યેની આસ્થા તેમની કેરીનો પ્રથમ પાક અર્પણ કરીને દર્શાવી હતી. હાપુસને કેરીની શ્રેષ્ઠ જાતોમાંની એક ગણવામાં આવે છે. તે મુખ્યત્વે મહારાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં ઉત્પન્ન થાય છે અને દેશ અને વિદેશમાં ખૂબ ઊંચા ભાવે વેચાય છે.
પુણેના રામ ભક્તોએ ભગવાન રામને હાપુસ કેરી અર્પણ કરવા માટે ઘણા મહિનાઓ અગાઉથી તૈયારીઓ કરી હતી. આ માટે પૂણેની શ્રેષ્ઠ હાપુસ કેરી પસંદ કરવામાં આવી હતી અને તેને ખાસ તૈયાર કરેલી ટોપલીઓમાં પેક કરીને અયોધ્યામાં ભગવાનના મંદિરમાં લાવવામાં આવી હતી. આજે અક્ષય તૃતીયાના શુભ અવસરે આ કેરીઓ અને કેરીના રસની બોટલો ભગવાનને અર્પણ કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ ભાગોમાં ખેડૂતો તેમના પાકની પ્રથમ બેચ તેમના દેવતાને સમર્પિત કરે છે.
વિશ્વ હિંદુ પરિષદના શરદ શર્માએ જણાવ્યું હતું કે, ભગવાન રામના મંદિરના ઉદ્ઘાટન બાદથી દેશ અને દુનિયાના ભક્તો અયોધ્યા આવી રહ્યા છે અને પોતાની રીતે ભગવાન પ્રત્યેની આસ્થા દર્શાવી રહ્યા છે. તેમણે કહ્યું કે જેમ માતા શબરીએ ભગવાનને બોર ખવડાવીને ભગવાન પ્રત્યેની તેમની ભક્તિ દર્શાવી હતી, તેવી જ રીતે ભક્તોએ ભગવાનને આ કેરીઓ અર્પણ કરીને ભગવાન પ્રત્યેની તેમની શ્રદ્ધા દર્શાવી છે.
તેમણે કહ્યું કે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ફેલાયેલા રામભક્તોના આ પ્રેમને જોતા તે રાજકીય પક્ષોએ રામ અને રામભક્તોની ટીકા કરવાનું ટાળવું જોઈએ. જેઓ પોતાના નાના રાજકીય ફાયદા માટે વાંધાજનક ટિપ્પણીઓ કરીને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.