કેજરિવાલની જેલમુક્તિથી મોદીની હાર થયાનું જણાવીને પાકિસ્તાની નેતાએ વ્યક્ત કરી ખુશી
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલનો લીકર પોલીસી કેસમાં વચગાળાના જામીન ઉપર છુટકારો થયો છે. એટલું જ નહીં ગઈકાલે સાંજે તેઓ જેલમાંથી બહાર પણ આવી ગયા છે. જેને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરોની સાથે વિપક્ષી પાર્ટીમાં પણ ખુશી ફેલાઈ છે. જો કે, આમ આદમી પાર્ટીના નેતાઓ-કાર્યકરોની ખુશીમાં પાકિસ્તાન પણ જોડાયું છે. પાકિસ્તાનના નેતાએ કેજરિવાલની મુક્તિ ઉપર ખુશી વ્યક્ત કરવાની સાથે મોદીની હાર થઈ હોવાનું જણાવ્યું હતું. પાકિસ્તાનના પૂર્વ સુચના અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીએ કેજરિવાલની મુક્તિ અંગે ખુશી વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, નરમપંથી ભારત માટે આ એક સારી વાત છે.
ફવાદ ચૌધરીએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી હતી કે, મોદી વધુ એક લડાઈ હારી ગયા, કેજરિવાલ મુક્ય થયા છે અને આ નરમપંથી ભારત માટે સારી વાત છે. અરવિંદ કેજરિવાલને દિલ્હી લીકર પોલીસી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યું છે. સર્વોચ્ચ અદાલતે કેજરિવાલને 50 દિવસ બાદ વચગાળાના જામીન આપ્યું છે. કોર્ટના આદેશ અનુસાર તા. 2 જૂનના રોજ તેમને જેલમાં પરત ફરવું પડશે. સુપ્રીમ કોર્ટે કેજરિવાલના જામીન મંજુર કરવાની સાથે કેટલીક શરતો પણ રાખી છે. તે અનુસાર કેજરિવાર મુખ્યમંત્રી કાર્યાલય અને સચિવાલય જઈ શકશે નહીં.
દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે, લોકસભાની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી થઈ ચુકી છે. અગાઉ ફવાદ ચૌધરીએ રાહુલ ગાંધીની પ્રશંસા કરી હતી. તેમજ તેમની સરખામણી પંડિત જવાહરલાલ નહેરુ સાથે કરી હતી. હવે તેમણે કેજરિવાલની મુક્તિને લઈને ખુશી વ્યક્ત કરી છે.