મુંબઈઃ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે દેશમાં ડ્રગ્સની દાણચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ડ્રગ્સ અંગેની મોટી કાર્યવાહીમાં DRIએ મુંબઈ એરપોર્ટ પર પેટમાં ડ્રગ્સ છુપાવીને લાવતા બ્રાઝિલના નાગરિકની ધરપકડ કરી હતી. આરોપીના પેટમાંથી 110 કેપ્સ્યુલ મળી આવી હતી, જેમાંથી 975 ગ્રામ કોકેઈન મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 10 કરોડ રૂપિયા હોવાનું મનાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બ્રાઝિલના નાગરિક પાસેથી રૂ. 10 કરોડનું કોકેઈન જપ્ત કર્યું હતું. તેણે દાણચોરી માટે કેપ્સ્યૂલમાં છુપાવીને લાવી રહ્યો હતો. DRI મુંબઈ ઝોનલ અધિકારીઓના જણાવ્યા અનુસાર, મળેલી બાતમીના આધારે DRI અધિકારીઓએ મુંબઈ એરપોર્ટ પર ડ્રગ્સ વહન કરવાની શંકાના આધારે બ્રાઝિલિયન નાગરિકને અટકાવ્યો હતો. જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે પેસેન્જરે ભારતમાં દાણચોરી કરવા માટે ડ્રગ્સ ધરાવતી કેપ્સ્યુલ્સનું સેવન કર્યું હોવાની કબૂલાત કરી હતી. વિદેશી પ્રવાસીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટના આદેશ મુજબ તેને મુંબઈની સર જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
આરોપી પાસેથી 975 ગ્રામ કોકેઈનની કુલ 110 કેપ્સ્યુલ મળી આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 9.75 કરોડ રૂપિયા હોવાનું મનાય છે. આ અંગે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં, ભારતમાં ગેરકાયદેસર ડ્રગ હેરફેરમાં સંડોવાયેલા આ આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટના અન્ય સભ્યોને શોધવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.