નોઈડામાં કન્સ્ટ્રક્શન સાઈટના 10મા માળેથી નીચે પટકાતા 3 શ્રમજીવીના મોત
નવી દિલ્હીઃ નોઇડા એક્સ્ટેંશનમાં બાંધકામ સાઇટ્સ પર અલગ-અલગ ઘટનાઓમાં ત્રણ પરપ્રાંતિય કામદારોના મોત થયા હતા. ત્રણેય બિહારના રહેવાસી હતા. જે બાદ કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર અપનાવવામાં આવેલા સેફ્ટી સ્ટાન્ડર્ડ્સને લઈને સવાલો ઉઠવા લાગ્યા છે. મૃતકોમાં નાઝીલ અલી (ઉ.વ. 35) અને રાજાબુલ રહેમાન (ઉ.વ. 35)નો સમાવેશ થાય છે. બંને શ્રમજીવીઓ બિસરાખ વિસ્તારમાં નિર્માણાધીન વેરોના હાઇટ્સ સોસાયટીના 10મા માળેથી અકસ્માતે પડી ગયા હતા. બંને બિહારના કટિહારના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ ઉપરાંત, નોઈડા સેક્ટર 58 ના બાંધકામ સ્થળ પર તોફાનને કારણે પાલખ તૂટી પડતાં ચાર લોકો ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આમાંથી એક કામદાર જય ગોવિંદ ઝા (ઉ.વ. 50)નું મૃત્યુ થયું હતું. જય ગોવિંદ બિહારના દરભંગાનો રહેવાસી હતો અને નોઈડામાં મજૂરી કરતો હતો. બાકીના ત્રણ શ્રમજીવીઓની સારવાર ચાલી રહી છે. નોઈડા પોલીસનું કહેવું છે કે, બંને કેસમાં કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
દરમિયાન, ઘર ખરીદનાર સંસ્થા NEFOWA એ બાંધકામ સ્થળ પર કામદારોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે. NEFOWA વાઇસ પ્રેસિડેન્ટ દીપાંકર કુમારે જણાવ્યું હતું કે, આમ્રપાલી લેઝર વેલીમાં વેરોના હાઇટ્સ એફ ટાવરના 10મા માળેથી પડી જવાથી બે લોકોના મોત થયા હતા. આઠ મહિના પહેલા આમ્રપાલી ગ્રુપના પ્રોજેક્ટમાં પણ આવી જ ઘટના બની હતી. લિફ્ટ પડી જવાને કારણે 10 કામદારોના મોત થયા હતા.