ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસ્યો કમોસમી વરસાદ, અમદાવાદના વાતાવરણમાં પલટો
અમદાવાદઃ રાજ્યમાં આજથી આગામી 4 દિવસ માવઠાની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. જ્યારે વલસાડમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અમદાવાદમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયાં હતા. અમદાવાદ શહેરમાં વાતાવરણમાં આવેલા પલટાને પગલે લોકોને ગરમીમાં આંશિક રાહત મળી હતી. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન ફુંકાયો હતો.
રાજ્યમાં 20થી વધુ જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી હતી. સિહોર તાલુકાના સોનગઢ ગામમાં બપોરે બરાબર એક વાગ્યે વાતાવરણમાં પલટો આવ્યો હતોઅને કરા સાથે વરસાદ પડ્યો હતો. વાતાવરણમાં પલટો આવવાના કારણે ઉનાળાની આકરી ગરમીમાં રાહત થઈ હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. માવઠાના કારણે કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા હજુ આગામી ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. બીજી તરફ સમગ્ર ભાવનગર જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ છવાયેલું છે. વલસાડ જિલ્લામાં વાતાવરણાં પલટો જોવા મળ્યો છે. કપરાડાનાં સુથારપાડા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડ્યો છે. જોકે કેરીના પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. શામળાજી સહીત જિલ્લાના ગ્રામ્ય પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ છે. રંગપુર, શામળપૂર સહિત વિસ્તારમાં વરસાદ છે, તો મોડાસાના ઈસરોલમાં પણ વરસાદી છાંટા પડ્યા છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.