ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં અસહ્ય તાપમાન, કેટલાક જિલ્લામાં માવઠું, વીજળી પડતા બેના મોત
અમદાવાદઃ રાજ્યમાં એક બાજુ રાજકોટ સહિત શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચી ગયા છે. જ્યારે બીજી બાજુ કેટલાક વિસ્તારોમાં ભર ઉનાળે ચોમાસા જેવા માહોલ જામ્યો છે. રાજ્યમાં બુધવારે પણ સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠાના અંબાજીમાં ધોધમાર વરસાદ વરસતા લોકોએ અસહ્ય ગરમીમાં ઠંડક મેળવી હતી. જ્યારે વલસાડ અને કચ્છમાં તોફાની પવન સાથે વરસેલા વરસાદના કારણે રસ્તાઓ નદીની જેમ પાણી વહેવા લાગ્યા હતા. જૂનાગઢમાં પણ સાંજના સમયે જોરદાર વરસાદી ઝાપટું વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પોરબંદરમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને છૂટો છવાયો વરસાદ શરૂ થયો હતો. પોરબંદરના ગ્રામ્ય પંથકના સીસલી અને સોઢાણા ગામે વીજ પડવાથી બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. દરમિયાન હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કાલે ગુરૂવારે પણ છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં બુધવારે પણ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. યાત્રાધામ અંબાજીમાં બુધવારે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા ગણતરીની મિનિટોમાં જ રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા હતા. સાથે જ વિઝિબિલિટી ઘટી જતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. અંબાજીની મુખ્ય બજારમાં ઘૂંટણસમા પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. આ ઉપરાંત વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી છુટોછવાયો કમોસમી વરસાદ વરસી રહ્યો છે. બુધવારે ધરમપુરના અંતરિયાળ વિસ્તારના ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવનના કારણે અનેક વૃક્ષોની ડાળીઓ ધરાશાયી થઈ હતી.
સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, જેમાં કચ્છમાં પણ બુધવારે સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો હતો. કચ્છના અબડાસા, નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે વરસેલા વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. જ્યારે જૂનાગઢ જિલ્લામાં પણ છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. બપોરના સમયે શહેરમાં ગાજવીજ સાથે વરસાદનું જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું હતું. જૂનાગઢમાં હાલ કેરીનો મોટાભાગનો પાક તૈયાર થઈ ચૂક્યો છે ત્યારે જ પવન સાથે વરસાદ વરસતા ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ એક દિવસના વિરામ બાદ બુધવારે કમોસમી વરસાદ વરસ્યો હતો. સુરેન્દ્રનગર, વઢવાણ અને ચોટીલા પંથકમાં વરસાદ વરસ્યો હતો. વઢવાણના રામપરા, ટીંબા, વાઘેલા, માળો સહિતના ગામોમાં વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ચોટીલાના મોલડી આસપાસના વિસ્તારમાં તો કરા સાથે વરસાદ વરસ્યો હતો.
અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ બપોર બાદ પલટો આવ્યો હતો. બાબરા શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસતા વૃક્ષ અને દીવાલ ધરાશાયી થયા હતા. અમરેલીના વડેરા, નાના ભંડારીયા, વડીયાના સૂર્યપ્રતાપ ગઢ, બાંટવા, દેવલી, સનાળામાં પણ વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં બપોર સુધી અસહ્ય ગરમી હતી અને બપોર બાદ સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો.