અમદાવાદ-મુંબઈ હાઈવે પર પારડી પાસે અકસ્માતને લીધે 10 કિમી સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
સુરતઃ દેશમાં નેશનલ હાઈવેમાં સૌથી વ્યસ્ત અમદાવાદ-મુંબઈનો નેશનલ હાઈવે-નંબર 48 ગણાય છે. 24 કલાક ટ્રાફિકથી ધમધમતા હાઈવે પર અકસ્માતોના બનાવો પણ વધતા જાય છે. ત્યારે કામરેજ પાસે ધોરણ પારડી ગામ પાસે ગત મધરાત બાદ બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા હાઈવે પર 10 કિલોમીટરથી વધુ ટ્રાફિક જામ સર્જાયો હતો. સતત ચાર કલાક સુધી ટ્રાફિક ક્લીયર ન થતા વાહનચાલકો કંટાળ્યા હતા.
સુરત જિલ્લાના કામરેજના ધોરણ પારડી ગામ નજીક નેશનલ હાઇવે 48 પર મોડીરાત્રે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેને કારણે ચાર કલાક નેશનલ હાઇવે જામ રહ્યો હતો. 10 કિલોમીટર લાંબા ટ્રાફિકજામને કારણે વાહનોના થપ્પા લાગતાં વાહનચાલકો પરેશાન થયા હતા. કામરેજ ટોલ પ્લાઝા ખાતે રોજ લાખો રૂપિયાની ઉઘરાણી કરતા હાઈવે ઓથોરિટીના સત્તાધિશો વાહનચાલકોને સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યા છે. સામાન્ય અકસ્માતમાં હાઇવે પર વાહનોના થપ્પા લાગી ગયા હતા. છતાં તંત્ર ટ્રાફિક જામને ક્લિયર કરાવવામાં નિષ્ફળ રહ્યું હતું. અને નેશનલ હાઇવે બ્લોક થઇ ગયો હતો. ત્યારબાદ કેટલાક વાહનચાલકોએ કામરેજ ફાયર વિભાગ, જિલ્લા ટ્રાફિક વિભાગ પાસે કોલ કરીને મદદ માગતા પોલીસ અને ફાયરની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને અકસ્માતગ્રસ્ત વાહનો રોડ પર હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ સાઈટ પરથી હટાવે તે પહેલા જ નેશનલ હાઇવે પર 10 KMથી વધુનો ટ્રાફિકજામ થઈ જતાં વાહનોના થપ્પા લાગી ગયા હતા. એને લઇને કલાકો સુધી વાહનો ટ્રાફિકમાં ફસાઈ જતાં ઘણા વાહનચાલકો પોતાના વાહનોમાં પરેશાન થઈ સૂઈ ગયા હતા.
સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવેનું સંચાલન કરતા નાશનલ હાઈવે ઓથોરિટીના કર્મચારીઓ અને અધિકારીઓની ઢીલી કામગીરીને લઈને છાશવારે વાહનચાલકોને આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં કરવાની જવાબદારી હાઈવે ઓથોરિટીની છે. છતાં કોઈ દરકાર લેવામાં આવતી નથી.