ગુજરાતમાં રેશનિંગની દુકાનોમાં સરકાર દ્વારા તુવેરદાળનો પુરતો જથ્થો ન અપાતા મચ્યો હોબાળો
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રેશનિંગના દુકાનદારોને પુરવઠા વિભાગ દ્વારા તુવેરદાળનો પુરતો જથ્થો આપવામાં આવતો ન હોવાથી રેશનિંગના દુકાનદારો મુશ્કેલી અનુભવી રહ્યા છે. રોજ ગ્રાહકો સાથે માથાકૂટ થઈ રહી છે. આ અંગે અગાઉ પણ રેશનિંગના દુકાનદારોએ સરકારને અનેક રજુઆતો કરી હતી. છતાં પણ પુરતો સ્ટોક ફાળવવામાં આવતો નથી.
ગુજરાતમાં પૂરવઠાં તંત્ર દ્વારા રાશન કાર્ડ લાભાર્થીઓને રાહત દરે વિતરણ કરવામાં આવતી તુવેરદાળની અનિયમિત અને અપૂરતા વિતરણની, સમસ્યા મહિનાઓ થવા છતા હજુ યથાવત છે.ચાલુ માસ અર્ધો વિતી ગયો છતા હજુ સુધી 80 ટકા વેપારીઓને તુવેરદાળ મળી ન હોય રેશનિંગના દુકાનદારોની સાથો સાથ લાભાર્થીઓમાં ફરીવાર વિરોધ થઈ રહ્યો છે. તુવેરદાળનો જથ્થો પૂરતો અને સમયસર વિતરણ કરવા માટે ઓલ ગુજરાત એફ.પી.એસ.એસોસિએશન દ્વારા રાજયનાં પુરવઠા નિયામકને તાકીદની રજૂઆત કરવામાં આવી છે. આ અંગે રેશનીંગનાં વેપારીઓમાંથી મળતી વધુ વિગતો મુજબ ફરીથી મે મહિનો અડધો વીતવા છતાં ગરીબ લાભાર્થીઓ તુવેરદાળનાં જથ્થાથી વંચિત રહ્યા છે.
રેશનિંગના દુકાનદારોના કહેવા મુજબ રાજ્યમાં 13 ટકા તુવેરદાળનું નિગમમાં ગોડાઉન ઉપરથી વિતરણ કરાયુ છે. એટલે કે 7400 મેટ્રિક ટનની જરૂરિયત સામે માત્ર એક હજાર મેટ્રિક ટનનું વિતરણ કરાયું છે. હજુ 5400 મેટ્રિક ટન જથ્થો.ગોડાઉન સુધી પહોંચ્યો નથી. એપ્રિલ મહિનામાં પણ તુવેરદાળનું વિતરણ માત્ર 70 ટકા જ થયું હતું. એટલે કે 74 લાખ લોકો સામે માત્ર 41 લાખ લોકોને તૂવેરદાળ મળી હતી.રાજ્યના 33 લાખ રેશનકાર્ડધારકો તૂવેરદાળથી વંચિત રહ્યા હતા. દર મહિને છેલા અઠવાડિયામાં દાળ આપવામાં આવે છે. ગરીબ લોકો રોજી ગુમાવીને તુવેરદાળ માટે રેશનની દુકાને ધક્કા ખાઈ રહ્યા છે. આથી ઓલ ગુજરાત એફપીએસ એસોસિએશન દ્વારા નિયામકને રજૂઆત કરવામાં આવી છે.