સપા-AAPની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ , સ્વાતી માલીવાલ મામલે સંજયસિંહે કહ્યું આ મામલે રાજનૈતિક ખેલ ન ખેલાવો જોઇએ
યુપીની રાજધાની લખનૌમાં સપા-AAPની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં AAPના કન્વીનર અરવિંદ કેજરીવાલ અને SP ચીફ અખિલેશ યાદવે વાત કરી અને લોકસભા ચૂંટણીમાં INDIA ગઠબંધનની જીતનો દાવો કર્યો હતો.
આ દરમિયાન જ્યારે રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂક અંગે પૂછવામાં આવ્યું ત્યારે અખિલેશ યાદવે વધુ મહત્ત્વના મુદ્દા હોવાનું કહીને વાત ટાળી દીધી હતી. આ સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સંપૂર્ણપણે મૌન રહ્યા અને તેમણે કશું કહ્યું નહીં. આ બધાની વચ્ચે AAPના રાજ્યસભા સાંસદ સંજય સિંહે માઈક હાથમાં લીધું અને ભાજપ પર જ સવાલો ઉઠાવ્યા. મણિપુરથી કર્ણાટક સુધી સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા પ્રજ્વલ રેવન્ના મામલે સંજય સિંહે ભાજપ પાસે જવાબ માંગ્યો છે.
સંજય સિંહે ભાજપ પર કર્યા પ્રહાર
AAP નેતા સંજય સિંહે કહ્યું કે, આમ આદમી પાર્ટી અમારો પરિવાર છે. પાર્ટીએ પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું છે. અમે દેશમાં જે પણ મુદ્દા ઉઠાવ્યા છે તેના પર PM અને ભાજપે જવાબ આપવો જોઈએ. સંજયે કહ્યું સ્વાતિ માલીવાલના મુદ્દે ભાજપે જવાબ આપવો જોઈએ. સ્વાતિ માલીવાલ જ્યારે કુસ્તીબાજોને મળવા જંતર-મંતર ગઈ ત્યારે તેની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી. ભાજપે આનો જવાબ આપવો જોઈએ. સ્વાતિ માલીવાલના મુદ્દે સંજય સિંહે કહ્યું કે, આ મામલે રાજકીય રમત ન રમવી જોઈએ. મણિપુર મુદ્દે ભાજપે જવાબ આપવો જોઈએ.