રાહુલ ગાંધીની કુંડળીમાં પીએમનો યોગ નથીઃ કેશવ પ્રસાદ મૌર્ય
લખનૌઃ લોકસભાની ચૂંટણીના તબક્કા જેમ જેમ પસાર થઈ રહ્યા છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી (BJP) અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે શાબ્દિક પ્રહારો તેજ થઈ રહ્યા છે. એક તરફ પીએમ નરેન્દ્ર મોદી પર કોંગ્રેસ આકરા પ્રહારો કરી રહી છે, બીજી તરફ ભાજપા દ્વારા રાહુલ ગાંધી પર આક્ષેપ કરી રહ્યાં છે. આ સંદર્ભમાં ભાજપે રાહુલ પર પ્રહાર કરતા કહ્યું છે કે, રાહુલની કુંડળીમાં પીએમનો યોગ નથી. ભાજપે આ નિવેદન છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલની ટિપ્પણી બાદ આપ્યું છે.
છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલે તાજેતરમાં રાહુલ ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કર્યા હતા. રાયબરેલીમાં એક જાહેર સભામાં ભૂપેશ બઘેલે રાહુલ ગાંધીને પીએમના દાવેદાર તરીકે પ્રોજેક્ટ કર્યા હતા. જો કે આ સવાલના જવાબમાં અખિલેશ યાદવનું કહેવું છે કે પીએમના સવાલ પર હજુ સુધી ગઠબંધનમાં કોઈ સહમતિ નથી.
યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ કૌશામ્બીમાં એક જાહેર સભાને સંબોધિત કરતા ભૂપેશ બઘેલના નિવેદન પર કહ્યું કે, તેઓ હમણાં જ છત્તીસગઢ ચૂંટણી હારી ગયા છે. રાહુલ ગાંધી 2019ની લોકસભા ચૂંટણી અમેઠીમાં સ્મૃતિ ઈરાની સામે હારી ગયા હતા. તે અમેઠીમાંથી ભાગેડુ છે અને રાયબરેલીમાં હારી રહ્યા છે. ત્યાં કમળ ખીલી રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તમારામાંથી કોઈપણ મુંગેરીલાલના વડાપ્રધાન બનવાનું સપનું જોઈ શકે છે, આવી સ્થિતિમાં ભૂપેશ બઘેલજીએ પણ રાહુલ ગાંધી વિશે સપનું જોયું છે, પરંતુ રાહુલ ગાંધીજીની કુંડળીમાં વડાપ્રધાન બનવાની કોઈ યોગ નથી. કેશવ પ્રસાદ મૌર્યએ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આ ચૂંટણીમાં અખિલેશ યાદવ પણ હારી જશે. 4 જૂને પરિણામ આવ્યા બાદ અખિલેશ યાદવના સૂપડા સાફ થઈ જશે.