હાઈબ્રિડ કાર ઉપર GSTમાં ઘટાડો થવાની શક્યતા ટૂંક સમયમાં જ નથી, રિપોર્ટમાં ખુલાસો
GST કાઉન્સિલની આગામી બેઠકમાં સરકાર હાઇબ્રિડ કાર પર ટેક્સ છૂટ અંગે ચર્ચા નહીં કરી શકે. એક મીડિયા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. ભારત માટે હાઇબ્રિડ કાર બનાવતી મારુતિ સુઝુકી જેવી કંપનીઓ માટે આને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. જોકે, આને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા મોટર્સ જેવી ઈલેક્ટ્રિક કાર નિર્માતાઓ માટે મોટા પ્રોત્સાહન તરીકે જોવામાં આવી રહ્યું છે.
પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નાણા મંત્રાલયને હાઇબ્રિડ કાર પરનો GST ઘટાડીને 12 ટકા કરવા વિનંતી કરી હતી. ગડકરીએ કહ્યું હતું કે હાઇબ્રિડ વાહનો પર GST ઘટાડીને 5 ટકા અને ફ્લેક્સ એન્જિન વાહનો પર 12 ટકા કરવાનો પ્રસ્તાવ નાણાં મંત્રાલયને વિચારણા માટે મોકલવામાં આવ્યો છે.
હાલમાં, ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો (EVs) પર માત્ર 5 ટકા ટેક્સ છે. જ્યારે હાઇબ્રિડ કાર પર 43 ટકા ટેક્સ લાગે છે, જે પેટ્રોલ કાર પરના 48 ટકા ટેક્સ કરતાં થોડો ઓછો છે.
ગડકરીએ અગાઉ દલીલ કરી હતી કે હાલમાં ઈવી પર પાંચ ટકા ટેક્સ છે. જ્યારે હાઇબ્રિડ કાર પર 48 ટકા જેટલો ઊંચો ટેક્સ છે. આથી આબોહવા પરિવર્તનને સંબોધવા અને વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે ઇકો-ફ્રેન્ડલી વાહનોને પ્રોત્સાહન આપવા માટે તેને તર્કસંગત બનાવવાની જરૂર છે.
હોન્ડા, હ્યુન્ડાઈ, ટોયોટા અને મારુતિ સુઝુકી જેવા ઓટોમેકર્સ મુખ્યત્વે પેટ્રોલ અને ઇલેક્ટ્રિક મોટર બંને પર ચાલતી હાઇબ્રિડ કાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. હાલમાં, તેમની હાઇબ્રિડ કારનું વેચાણ વધી રહ્યું છે.